સોમવારની સવારે ઉત્તરાખંડના બાગેશ્વરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ આ ભૂકંપ સવારે ૦૪:૪૯ કલાકે આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૫ હતી. આવી સ્થિતિમાં ભૂકંપના આંચકા ખૂબ જ ઓછી તીવ્રતાના હતા.
નોંધનીય છે કે, આ પહેલા ૧૯ ફેબ્રુઆરીએ બપોરે ૦૧:૦૦ વાગ્યાની આસપાસ મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા ૩.૦ હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર ૧૦ કિલોમીટર અંદર હતું. અરુણાચલના તવાંગમાં ૧૯ ફેબ્રુઆરીની મધરાતે ૧૨ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે, ત્યારે ગઈકાલે એટલે કે રવિવારે ફરી સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી હતી. ગઈકાલે સવારે ૧૧:૫૪ કલાકે અમરેલી જિલ્લાની ધરા ધ્રુજી ઉઠી હતી. અમરેલી પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આજે સવારે આવેલા ભૂકંપ આંચકો મિતિયાળાની સાથે ખાંભા ગીર પંથકમાં પણ અનુભવાયો હતો. ખાંભા ગીરના ભાડ, નાનુંડી, નાના વિસાવદર, વાંકિયા ગામમાં ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, ભૂકંપની તીવ્રતા વધુ ન હોવાથી કોઇ જાનહાની કે નુકસાન થવાની શક્યતા નથી.