રાજ્યમાં વારંવાર બનતી પેપર ફૂટવાની ઘટનાને રોકવા માટે સરકાર એક્શનમાં આવી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલને પંચાયત સેવા મંડળની જવાબદારી સોંપવામાં આવી હતી. હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ‘પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની પરીક્ષા ૦૯ મી એપ્રિલે અને તલાટીની પરીક્ષા 23મી એપ્રિલના રોજ લેવા માંગે છે. પરીક્ષા કેન્દ્રોને લઈને જિલ્લાઓ પાસેથી વિગતો માંગવામાં આવી છે.’ ત્યારે જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.
પંચાયત સેવા પસંદગી મંડળ અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી અને જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા બે તબક્કે નહીં પરંતુ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ એક જ તબક્કે યોજવાની છે. બંને ભરતી સત્તા મંડળોએ ઉમેદવારોને અફવાહોથી દૂર રહેવા જણાવ્યું છે.
પંચાયત સેવા પસંદગી મંડળ અને ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી કહેવામાં આવ્યું છે કે, ઉમેદવારો આ પ્રકારની અટકળોથી દૂર રહીને પરીક્ષાની તૈયારી કરે. ઉમેદવારોની સંખ્યા વધે કે ઘટે તેવા કોઈપણ સંજોગોમાં પરીક્ષા તો એક જ તબક્કામાં યોજાવાની છે. તો હસમુખ પટેલે ઉમેદવારોને અપીલ કરી છે કે, ‘કોઈ બાબતે અસમંજસ-દ્વિધામાં રહેવું નહીં, પરીક્ષાની તૈયારીમાં જ ધ્યાન આપવું, કોઈ અફવા પર ધ્યાન આપીને ગેરમાર્ગે દોરાવવું નહીં.’