વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પર્યાવરણ સંરક્ષણ માટે યુથ ૨૦ ઈન્ડિયા સમિટનું આયોજન કરશે. બે દિવસની સમિટમાં ૬૨ દેશોના ૬૦૦ થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. જળવાયુ પરિવર્તન અને પર્યાવરણીય સંરક્ષણની થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદઘાટન આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે.
ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ભારતના જી-૨૦ પ્રેસિડેન્સીની ઉજવણી નિમિત્તે આયોજિત, ‘ક્લાઈમેટ ચેન્જ એન્ડ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનઃ મેકિંગ સસ્ટેનેબિલિટી અ વે ઓફ લાઈફ’ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
આ કોન્ફરન્સમાં જી-૨૦ દેશોના ૧૬૭ પ્રતિનિધિઓ, ૮ આંતરરાષ્ટ્રીય વિદ્વાનો, ૧૨ રાષ્ટ્રીય વિદ્વાનો, ૨૫ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ, ૨૫ રાષ્ટ્રીય પ્રતિનિધિઓ, ૨૫ યુવા મંત્રાલયના પ્રતિનિધિઓ, પર્યાવરણ પર કામ કરતા ૫૦ સ્ટાર્ટ-અપ્સ, ૧૫ શોધ વિદ્વાનો, ૧૦ NSS સભ્યો અને ૨૫૦ શહેરી આયોજન, આબોહવા પરિવર્તન અને પર્યાવરણ અધ્યયનના વિષયોનો અભ્યાસ કરતા વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભાગ લેશે.
આ સમિટમાં રાજય મંત્રી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, માનનીય કેબિનેટ મંત્રી, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, ગુજરાત સરકાર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.