અમદાવાદમાં કૂતરાંના રસીકરણ-ખસીકરણની કામગીરી પૂરજોશમાં

સામાન્ય અમદાવાદીઓના રોજબરોજના જીવનમાં સીધી રીતે સ્પર્શતી સમસ્યાઓમાં રખડતાં ઢોર અને રખડતાં કૂતરાંની સતત વધતી જતી રંજાડ છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા લોકોને આ બંને સમસ્યાથી રક્ષણ આપવા પ્રયાસ કરાય છે, જોકે શહેર જાણ્યે-અજાણ્યે રખડતાં ઢોરથી ગોકુળિયું ગામ બની ગયું હોય તેમ રોડ કે ફૂટપાથ પરના સિનારિયો જોતાં લાગ્યા વિના નહીં રહે તો મોટા ભાગના વિસ્તારમાં રખડતાં કૂતરાંના આતંકથી સમી સાંજે ઘર બહાર નીકળતાં બાળકો અને વૃદ્ધો થરથર ધ્રૂજે છે. અજાણ્યાને જોઈ તરત બચકું ભરવા દોડતાં કૂતરાંથી ધોળે દહાડે સોસાયટી કે ફ્લેટ વિસ્તારમાં પ્રવેશતા કુરિયર સહિતની ખાનગી સર્વિસ આપનારા કર્મચારીઓ ડરી રહ્યા છે. એક તરફ રખડતાં કૂતરાં લોકોને બીવડાવી રહ્યાં છે તો બીજી તરફ તેમની વસ્તીને વધતી રોકવા મ્યુનિ. તંત્ર પાણીની જેમ પૈસા ખર્ચી રહ્યું છે.

અમદાવાદમાં રખડતાં કૂતરાંના ખસીકરણ – રસીકરણ પાછળ સત્તાવાળાઓ દ્વારા છેલ્લાં પોણા ત્રણ વર્ષમાં રૂ.૮.૪૬ કરોડથી પણ વધુ રકમ ખર્ચાઈ હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં રખડતાં કૂતરાંને પકડીને તંત્ર દ્વારા તેનું પહેલાં ખસીકરણ કરાય છે ત્યાર બાદ તેને રસી આપીને જે વિસ્તારમાંથી આવાં કૂતરાંને પકડ્યાં હોય તે જ વિસ્તારમાં તેને પરત છોડવામાં આવે છે. મ્યુનિ. તંત્રના ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા સતત રખડતાં કૂતરાંના ખસીકરણ અને રસીકરણની કામગીરી કરવામાં આવે છે.

તંત્રે કુલ ચાર એનજીઓ સાથે કોન્ટ્રાક્ટ કર્યા છે. શહેરના સાતેય ઝોનને આ ચાર એનજીઓમાં વહેંચી દેવાયા છે, જેમાં ગોતા અને થલતેજ વોર્ડ સિવાયનો ઉત્તર-પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનનો કોન્ટ્રાક્ટ પીપલ ફોર એનિમલને, ગોતા અને થલતેજ વોર્ડ સહિત દક્ષિણ-પશ્ચિમ ઝોનનો કોન્ટ્રાક્ટ ગોલ ફાઉન્ડેશનને, મધ્ય અને દક્ષિણ ઝોનનો કોન્ટ્રાક્ટ સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ અને પૂર્વ તેમજ ઉત્તર ઝોનનો કોન્ટ્રાક્ટ યશ ડોમેસ્ટિક રિસર્ચ સેન્ટરને અપાયો છે, તેમાં સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટને ગત તા. ૦૧/૦૯/૨૦૨૧ થી રખડતાં કૂતરાંના ખસીકરણ અને રસીકરણનો કોન્ટ્રાક્ટ અપાયો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય એનજીઓ જૂની છે.

??

આ ચાર એનજીઓ દ્વારા રખડતાં કૂતરાંના ખસીકરણ અને રસીકરણને લગતી થયેલી કામગીરીનો સત્તાવાર રિપોર્ટ દર્શાવે છે કે છેલ્લાં પોણા ત્રણ વર્ષમાં વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૨ – ૨૩ માં ગત તા. ૦૧/૦૪/૨૦૨૨ થી ૧૨/૦૨/૨૦૨૩ સુધીમાં સૌથી વધુ ૩૯,૮૫૬ રખડતાં કૂતરાંનું  ખસીકરણ અને રસીકરણ કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *