૪ માર્ચ સુધી સવારે ૧૦:૦૦ વાગ્યાથી સાંજના ૦૮:૦૦ વાગ્યા સુધી ચાલશે સાયન્સ કાર્નિવલ.
અમદાવાદની સાયન્સ સિટીમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઊજવણીના ભાગરૂપે સાયન્સ કાર્નિવલનો આજથી આરંભ થશે. આજથી આગામી ચોથી માર્ચ સુધી ચાલનારા સાયન્સ કાર્નિવલમાં દરરોજ સવારના ૧૦:૦૦ વાગ્યાથી સાંજના ૦૮:૦૦ વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં સાયન્સ મેજિક શો, સાયન્સ ગેમ્સ, ચર્ચા સત્રો, પ્રદર્શનો, પુસ્તક મેળો, લાઈટ એન્ડ સાઉન્ડ શો, થ્રી-ડી રંગોળી જેવા કાર્યક્રમો યોજાશે.
પાટણ, ભાવનગર, ભૂજ અને રાજકોટમાં આવેલા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો તથા જિલ્લા સ્તરે ૩૩ લોકવિજ્ઞાન કેન્દ્રો ખાતે પણ વિવિધ કાર્યક્રમો દ્વારા વિજ્ઞાન દિવસની ઊજવણી કરવામાં આવશે. અમદાવાદમાં સાબરમતી ખાતેના કેન્દ્રિય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે ડ્રોન અને સેટેલાઈટના પાર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ વિદ્યાર્થીઓ માટે સાયન્સ સમર કેમ્પનું આયોજન કરાશે. રાજકોટમાં શાળા કોલેજોમાં વિજ્ઞાનને લગતા પ્રોજેક્ટો, ક્વિઝ, ચર્ચા સત્રોનું આયોજન કરાશે. ૨૮ ફેબ્રુઆરી, ૧૯૨૮ ના રોજ ડૉ. ચંદ્રશેખર વેંકટરામને ‘રામન ઈફેકટ’ની શોધ પૂરી કરી હતી. તેમની યાદમાં જ આ દિન ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ તરીકે ઊજવાય છે.