ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં આજે વિધાનસભા ચૂંટણીની મતગણતરી

આજે ત્રણેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે. પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં કુલ ૧૮૦ વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણી યોજાઈ હતી. નોંધનીય છે કે, ત્રિપુરામાં હાલમાં ભાજપના મુખ્યમંત્રી છે, જ્યારે નાગાલેન્ડમાં નેશનાલિસ્ટ ડેમોક્રેટીક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) અને મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ની સરકારો છે.

મેઘાલયમાં ૧૩ મતગણતરી કેન્દ્રો છે. તેમાંથી ૧૨ જિલ્લા મુખ્યાલયમાં તો જ્યારે ૧ અન્ય સોહરા સબડિવિઝનમાં બનાવવામાં આવ્યું છે. ૩ લેયરની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સૌથી અંદર અને પહેલા લેયર પર CAPF નજર રાખી રહ્યું છે. આ ઉપરાંત બીજા અને ત્રીજા લેયરની દેખરેખની જવાબદારી રાજ્ય સશસ્ત્ર પોલીસ દળને સોંપવામાં આવી છે. કુલ ૩૮૩ રાઉન્ડમાં મત ગણતરી થશે. મતગણતરીમાં પ્રથમ ૩૦ મિનિટ સુધી પોસ્ટલ બેલેટથી ગણતરી કરવામાં આવશે.

ત્રિપુરાની ૬૦ વિધાનસભા સીટો પર ૧૬ ફેબ્રુઆરીએ સાંજે ૪ વાગ્યા સુધી ૮૧.૧ % મતદાન નોંધાયું હતું. આ વખતે કુલ ૨૫૯ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ગિટ્ટે કિરણકુમાર દિનકારોએ જણાવ્યું હતું કે ૩,૩૩૭ મતદાન મથકો પર મતદાન થયું હતું. આ મતદાન મથકોમાંથી ૧,૧૦૦ ની ઓળખ સંવેદનશીલ અને ૨૮ ની અતિસંવેદનશીલ તરીકે થઈ હતી.

મેઘાલયની ૬૦ વિધાનસભા સીટોમાંથી ૫૯ વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. અહીં ૨૧.૬ લાખ મતદારો ૩૬૯ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. જેમાંથી ૩૬ મહિલાઓ છે. અહીં ૨૭ ફેબ્રુઆરીએ ૭૪.૩૨ % મતદાન થયું હતું. અહીં તૃણમૂલ કોંગ્રેસ અને અન્ય પ્રાદેશિક પક્ષોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી એફ.આર ખારકોન્ગોરના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ૩,૪૧૯ મતદાન મથકો હતા. તેમાંથી ૬૪૦ ‘અસુરક્ષિત’ અને ૩૨૩ ‘સંવેદનશીલ’ શ્રેણીમાં હતા.

નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં ૧૮૩ ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું છે. અહીં ૫૯ બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે. અહીં ૧૩ લાખથી વધુ મતદારો છે. અહીં ૮૨.૪૨ % મતદાન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *