અમદાવાદ શહેર પોલીસ દ્વારા નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ મહિલા સુરક્ષા માટે આ ઝૂંબેશ શરૂ કરી છે. હાલ પોલીસ દ્વારા રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરોની તમામ માહિતી એકઠી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૮,૦૦૦ થી વધુ રિક્ષાચાલકના ફોર્મ ભરવામાં આવ્યા છે.

પોલીસે ૩૫ જેટલા ક્રાઈમ હોટ સ્પોટ વિસ્તારને ઓળખી કાઢ્યા છે. ક્રાઈમ હોટસ્પોટ સ્થળે ૯૦ કેમેરા લગાવવામાં આવશે. તો નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ તમામ વિસ્તારમાં ૬૬૭ CCTV લગાવાશે. પોલીસ દ્વારા ૨૫૦ કેમેરા રિવરફ્રન્ટ પર, ૧૫૦ વિવિધ સિટી બસ સ્ટોપ પર લગાવાશે.

અમદાવાદ શહેરમાં કેટલાક રિક્ષા ચાલકો પેસેન્જરને અવાવરું જગ્યાએ લઈ જઈ લૂંટી લેતા હોવાના અનેક બનાવ સામે આવી ચૂક્યા છે. તો મહિલા સાથે છેડતીના પણ અનેક બનાવ સામે આવી ચૂક્યા છે. થોડા મહિના પહેલા અમદાવાદના પાલડીમાં રિક્ષામાં મુસાફરી કરી રહેલા યુવકને રાતનાં સમયે એકલતાનો લાભ લઈને લૂંટી લેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. લૂંટની ઘટના બનતા આ મામલે પાલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.