મોસમી માવઠાની આગાહી વચ્ચે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની કરેલી આગાહી મુજબ આજથી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે. ૫, ૬ અને ૭ માર્ચે સોરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી કમોસમી વરસાદની આગાહીને પગલે આજે કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડ્યો છે.

 

આજે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસ્યો હતો. ઉનાળાની શરૂઆતમાં જ બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકતા અન્નદાતાઓની ચિંતામાં વધારો થયો છે. કારણ કે માવઠાથી કેરી અને ઘઉંના પાકને અસર થવાની ચિંતા છે.

બનાસાકાંઠા જિલ્લા ઉપરાંત મહીસાગર જિલ્લામાં પણ આજે વહેલી સવારથી વરસાદી છાંટા શરૂ થયા છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા સાથે વરસાદી છાંટા પડી રહ્યા છે. જિલ્લામાં વરસાદી માહોલથી ખેડૂતોને નુકસાનની ભીતી છે. કડાકા ભડાકા સાથે માવઠારૂપી વરસાદથી જગતનો તાત ચિંતિત બન્યો છે. કમોસમી વરસાદથી ઘઉં, મકાઈ સહિતના પાકો અને સૂકા ઘાસચારામાં નુકસાન થઈ શકે છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતી દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, રાજ્યના દક્ષિણપૂર્વના છોટાઉદેપુર, વડોદરા, નર્મદામાં હળવો કમોસમી વરસાદ થવાની સંભાવના છે, આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી અને ભુજમાં વરસાદ થઈ શકે છે. અપર લેવવમાં હવાનું સર્ક્યુલેશન દક્ષિણ-પશ્ચિમ તરફનું રહેશે, જેના કારણે અરબી સમુદ્રથી ભેજ અપર લેવલમાં આવી રહ્યું છે અને લોઅરમાં પૂર્વીય પવન છે જેના કારણે હવામાનમાં ફેરફાર થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *