પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ વિધાનસભામાં રાજકોટ જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત કરાયેલ કામગીરીની માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ‘નલ સે જલ’ અંતર્ગત નિર્ધારિત લક્ષ્યાંક પહેલા જ ૧૦૦ % નળજોડાણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૫ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ ‘જલ જીવન મિશન’ હેઠળ ‘હર ઘર જલ’ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત દેશના તમામ નાગરિકો ને વર્ષ ૨૦૨૪ સુધીમાં ઘેરઘેર શુદ્ધ પેયજળ ઉપલબ્ધ કરાવવાનું નક્કી કરાયું હતું. કાર્યક્રમની શરૂઆતથી પાંચ વર્ષ સુધીમાં જિલ્લાના તમામ ઘરોમાં નળ જોડાણના નિર્ધારિત લક્ષ્યાંકની સામે જિલ્લામાં માર્ચ – ૨૦૨૨ ના અંતમાં જ ૧૦૦ નળ જોડાણનો લક્ષ્યાંક સિદ્ઘ કરાયો છે.
મંત્રીએ વધુ વિગતો રજૂ કરતાં કહ્યું હતું કે, રાજકોટ જિલ્લાના ગામોમાં આંતરિક પેયજળ વ્યવસ્થા માટે ૧૬૮ યોજના મંજૂર કરી રૂ. ૫,૪૪૮ લાખથી વધુના ખર્ચે જિલ્લાના તમામ ૩,૨૨,૭૩૨ ઘરોમાં નળ જોડાણની કામગીરી પૂર્ણ કરી છે. રાજકોટના ધોરાજીમાં ૦૨, ગોંડલમાં ૨૮, લોધિકામાં ૦૩, વિંછીયામાં ૧૯, જામ કંડોરણામાં ૦૭, જસદણમાં ૩૬, જેતપુરમાં ૦૪, કોટડાસાંગાણીમાં ૧૬, પડધરીમાં ૦૫, રાજકોટમાં ૪૨ અને ઉપલેટામાં ૦૬ એમ કુલ ૧૬૮ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી. યોજનાની શરૂઆતમાં નળ જોડાણ ધરાવતા ઘરોની સંખ્યા માત્ર ૨.૯૬ લાખ હતી, જેની સામે માર્ચ – ૨૦૨૨ માં તમામ ૩,૨૨,૭૩૨ ઘરોમાં નળ જોડાણની કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.