જગતમંદિર દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ રંગેચંગે કરાઈ ઉજવણી

જગતમંદિર દ્વારકામાં હોળીની ઝાળ બેસતાં જ દરરોજ સવારે શૃંગાર આરતી અને સાંજે સંધ્યા આરતીમાં ભગવાનના દર્શને આવતા ભક્તો સાથે રંગોત્સવ મનાવવામાં આવે છે. જે પરંપરા આજે પૂર્ણ થતાં ફૂલડોલ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. બપોરે બે વાગ્યાથી ત્રણ વાગ્યા દરમ્યાન આરતી સાથે ઢોલ નગારાના તાલે રંગે ચંગે ભાવીકો દ્વારા જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.જેમાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓએ કાળિયા ઠાકરના દર્શનનો લાભ લીધો હતો.

ગુજરાતની મુખ્ય તીર્થ સમાન ભગવાન શ્રીકૃષ્ણની નગરી યાત્રાધામ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની ઉજવણીમાં રાજ્યમાંથી મોટી સંખ્યામાં પદયાત્રિઓ દ્વારકા ખાતે પહોંચ્યા હતા. જેના પગલે બજારોમાં તેમજ દ્વારકાધીશના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ફૂલ ડોલ ઉત્સવને લઈ આખી કૃષ્ણ નગરી રંગમાં રંગાઈ ગઈ છે. ભક્તોએ રંગેચંગે રંગ ઉત્સવ મનાવી ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. દ્વારકાધીશના દર્શન કરવા માટે સમગ્ર દ્વારકાની બજારોમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. મોટી સંખ્યામાં ભાવિક ભકતો પગપાળા દ્વારકામાં આવીને શિશ ઝુકાવી ધન્યતા અનુભવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *