ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહના ગુનાઓમાં ભૂમાફિયા સામે કરેલા કુલ ૪૦,૪૩૮ કેસો દ્વારા કુલ રૂ. ૬૫,૯૧૫ લાખની વસૂલાત.
ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરશ્રીની કચેરીમાં વિવિધ કેડરની વર્ગ-૩ની ૧૫૨ નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. છેલ્લાં બે વર્ષમાં વર્ગ-૩ની ૫૦૦ જગ્યાઓ ખાલી છે તેમાં ૩૩૦ જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવશે જ્યારે બાકી જગ્યાઓ પણ સત્વરે ભરવામાં આવશે તેમ, ઠક્કરબાપાનગરના ધારાસભ્ય કંચનબેન રાદડિયા દ્વારા વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નનો મુખ્યમંત્રી વતી ખાણ અને ખનીજ વિભાગનો જવાબ આપતા મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું હતું.
મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ખાલી જગ્યાઓ સીધી ભરતી, બઢતી અને પ્રતિનિયુક્તિ એમ કુલ ત્રણ રીતે ભરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ભૂમાફિયાઓ સામે કડક હાથે કામ લેવા કટિબદ્ધ છે.
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહના ગુનાઓમાં ભૂમાફિયા સામે કરેલા કુલ ૪૦,૪૩૮ કેસો દ્વારા કુલ રૂ. ૬૫,૯૧૫ લાખની વસુલાત કરાઈ છે. જેમાં વર્ષ ૨૦૧૮-૧૯માં ભૂમાફિયા પર ૭,૭૩૪ કેસો દ્વારા રૂ.૧૦,૯૮૮ લાખ, વર્ષ ૨૦૧૯-૨૦માં ૭,૪૪૬ કેસો દ્વારા રૂ. ૧૦,૬૩૪ લાખ, વર્ષ ૨૦૨૦-૨૧માં ૭,૧૫૫ કેસો દ્વારા રૂ. ૧૦,૩૨૨ લાખ, વર્ષ ૨૦૨૧-૨૨માં ૮,૬૭૨ કેસો કરીને રૂ. ૧૪,૦૬૪ લાખ તેમજ વર્ષ ૨૦૨૨-૨૩માં ફેબ્રુઆરી સુધીમાં ૯,૪૭૬ કેસો કરીને રૂ. ૧૯,૯૦૭ લાખની વસૂલાત કરવામાં આવી છે તેમ મંત્રીએ ગૃહમાં પેટા પ્રશ્નના જવાબમાં ઉમેર્યું હતું.