ઉનાળાની ૠતુને લઈને હવામાન વિભાગ દ્વારા વધુ એક વખત આગાહી કરવામાં આવી છે. જેમાં જણાવાયા અનુસાર રાજ્યમાં ૨ દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહે તેવું જણાવાયુ છે. વધુમાં ૪૮ કલાક કેટલાક વિસ્તારોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે ભુજમાં સૌથી વધુ ૩૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. જેને લઈને શહેરવાસીઓ ગરમીથી તોબા પોકારી ગયા હતા.આ ઉપરાંત ૨ દિવસ બાદ કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે આપેલા નિવેદનમાં જણાવાયા અનુસાર તા. ૧૩, ૧૪, ૧૫ માર્ચેના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકી શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ઉત્તર, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમા વરસાદ વકી જોવા મળી રહી છે. ૧૩ મીએ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, રાજકોટ, પોરબંદરમાં વરસાદની આગાહી છે. જ્યારે ૧૪ માર્ચે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા-નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં કમોસમી વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ૧૩ અને ૧૪ માર્ચ દરમિયાન આ જિલ્લાઓમાં ૩૦ – ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણ પલટાશે તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક દ્વારા જણાવાયું છું.
અમદાવાદ શહેર સિહત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં ર – ૩ ડિગ્રીનો વધારો થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે અમદાવાદમાં ૩૬, ગાંધીનગરમાં ૩૪, રાજકોટમાં ૩૭, વડોદરા અને સુરતમાં ૩૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતુંં, જ્યારે ૩૮ ડિગ્રી સાથે ભૂજ, નલિયા, કેશોદ સૌથી ગરમ રહ્યાં હતાં. આમ, રાજ્યમાં મોટા ભાગે મહત્તમ તાપમાન ૩૬ – ૩૭ ડિગ્રીની આસપાસ રહ્યું હતું. રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થયું છે. હવે ફરી એક વાર વરસાદની આગાહી છે ત્યારે ખેડૂતોના શાકભાજી અને બાગાયતી પાકને નુકસાન થવાની સંભાવના છે અને આથી ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી છે.