કાશ્મીર મુદ્દે પહેલીવાર પાકિસ્તાનના વિદેશમંત્રીએ મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ સંયુક્ત રાષ્ટ્ર (UN)માં કાશ્મીર પર એક મોટું સત્ય સ્વીકાર્યું છે. બિલાવલે સ્વીકાર્યું છે કે, તેમનો દેશ યુએનમાં કાશ્મીર મુદ્દાને મુખ્ય મુદ્દો બનાવવા અને તેના તરફ સંગઠનનું ધ્યાન દોરવામાં નિષ્ફળ રહ્યો છે. બિલાવલે એ પણ સ્વીકાર્યું કે, તેમના દેશના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે, પરંતુ કાશ્મીર પર ભારતના તમામ રાજદ્વારી પ્રયાસો યુએનમાં સફળ રહ્યા છે. બિલાવલે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં આ વાત સ્વીકારી હતી. બિલાવલે પોતાના નિવેદનમાં પહેલીવાર ભારતને મિત્ર ગણાવ્યું.
પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘તમને એ જાણવાની જરૂર છે કે, કાશ્મીર મુદ્દાને યુએનના એજન્ડા તરીકે આગળ વધારવા અને તેના તરફ સંગઠનનું ધ્યાન દોરવામાં અમારે ઘણા પડકારોનો સામનો કરવો પડશે.’ આ પછી બિલાવલ થોડુ ડઘાઈ ગયા બાદ ભારતનો ઉલ્લેખ કર્યો અને તેમને મિત્ર તરીકે સંબોધ્યો. બિલાવલે કહ્યું, ‘અમારો મિત્ર, પાડોશી દેશ (ભારત) કાશ્મીર વિવાદિત સરહદ હોવાનો વ્યાપક વિરોધ કરે છે. તે યુએનમાં આ હકીકતને પણ આગળ ધપાવે છે કે, કાશ્મીર વિવાદિત મુદ્દો નથી.
બિલાવલ ભુટ્ટોના મતે ભારત વાસ્તવિકતાથી વિપરીત હંમેશા આગ્રહ કરે છે કે,કાશ્મીર પર તેનો કબજો વાજબી અને સમર્થન છે. તેમણે એમ પણ કહ્યું કે, કાશ્મીર વિશે પાકિસ્તાન જે વિચારે છે તે સત્ય સ્વીકારવું ખૂબ મુશ્કેલ છે. ભલે આંતરરાષ્ટ્રીય સમુદાય કાશ્મીર પર તેમના વિચારોને નકારી કાઢે પરંતુ પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલે વચન આપ્યું છે કે, દેશના પ્રયાસોમાં કોઈ કચાશ નહીં આવે.
નોંધનીય છે કે, બિલાવલે આ નિવેદન પહેલા કાશ્મીર પર ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીના બદલામાં તેને ભારત તરફથી યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો. સુરક્ષા પરિષદમાં બિલાવલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે મોઝામ્બિકની આગેવાની હેઠળની ચર્ચામાં કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. ફેબ્રુઆરી ૨૦૧૯ માં પુલવામા આતંકી હુમલા અને ઓગસ્ટ ૨૦૧૯ માં જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડ્યા છે. ભારતે હંમેશા કહ્યું છે કે,મંત્રણા સિવાય પાકિસ્તાને આતંક અને દુશ્મનીનું વાતાવરણ ઊભું કર્યું છે.