સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત ૧૫ થી ૧૭ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. ૩૮.૮ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે જૂનાગઢ સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે ભૂજમાં ૩૮.૩ ડિગ્રી, રાજકોટમાં ૩૮ ડિગ્રી, વડોદરામાં ૩૭.૬ ડિગ્રી, નલિયા અને કંડલામાં ૩૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો બીજી તરફ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી ૫ દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાની આગાહી કરાઇ છે. તારીખ – ૧૫, ૧૬ અને ૧૭ માર્ચે કચ્છ – સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. ઉપરાંત આગામી ૧૬ માર્ચે વલસાડ, નવસારી, ડાંગમાં પણ હળવો વરસાદ રહેશે. ૧૫ માર્ચથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ રહેશે, ૧૬ માર્ચે કેટલાક સ્થળે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે, ૧૭ માર્ચે કેટલાક વિસ્તારમાં વરસાદ રહેશે. અમદાવાદમાં આવતીકાલે વાદળછાયું વાતાવરણ રહેશે. ગઈકાલે સૌથી વધુ સુરતમાં ૩૮.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જયારે અમદાવાદ શહેરનું તાપમાન હાલ ૩૭ ડિગ્રી રહ્યું હતું. ૨ દિવસ બાદ તાપમાનમાં ૨ – ૩ ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળશે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા ખેડૂતોને પણ પાક ઉતારી લેવા સૂચના આપવામાં આવી છે.