ચીન દ્વારા ૩ વર્ષના પ્રવાસ વિઝા પ્રતિબંધ બાદ ૧૫ મી માર્ચથી વિદેશીઓ માટે વિવિધ કેટેગરીના વિઝા આપવાનું શરૂ કરાશે. ચીનની સત્તાવાર ટીવી ચેનલે વિદેશ મંત્રાલયના કોન્સ્યુલેટ વિભાગને ટાંકીને આ જાહેરાતની જાણકારી આપી હતી. ચીને કોવિડ – ૧૯ ના રોગચાળા બાદ માર્ચ – ૨૦૨૨ માં તમામ પ્રકારના વિઝા રદ કર્યા હતા. રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પ્રીમીયર લી ક્વિઆંગની નેતૃત્વવાળી પાંચ વર્ષના કાર્યકાળની સરકારે સોમવારે વાર્ષિક સંસદના સત્રના સમાપન બાદ આ જાહેરાત કરી હતી.
પત્રકાર પરિષદમાં ચીનના નવા પ્રધાનમંત્રી લી ક્વિઆંગે જણાવ્યું કે, આ વર્ષે લગભગ પાંચ ટકા GDP વૃદ્ધિના ચીનના લક્ષ્યને હાંસલ કરવું એ સરળ નથી. તેમણે આર્થિક સ્થિરતા પર ભાર મૂક્યો હતો અને માંગ અને રોકાણને ઉત્તેજન આપવા નવી આર્થિક નીતિ રજૂ કરવા અંગે જણાવ્યું હતું.
દરમિયાન અમેરિકામાં ચીનના દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું છે કે, હેનાન ટાપુ સહિત અનેક સ્થળો માટે શાંઘાઈમાં રોકાતા ક્રૂઝ જહાજો અને હોંગકોંગ અને મકાઉના લોકો માટે ગુઆંગડોંગમાં વિઝા મુક્ત પ્રવેશ ફરી શરૂ કરાશે. માર્ચ મહિનાથી ન્યૂઝીલેન્ડ, રશિયા, મલેશિયા સહિતના દેશોના પ્રવાસ માટે કોવિડના નિયમો હળવો કરવામાં આવ્યા છે. જો કે, ભારતના પ્રવાસીઓ માટે મુસાફરીના ૪૮ કલાકની અંદર કોવિડ – ૧૯ નો નેગેટીવ રિપોર્ટ જરૂરી છે.