રાજ્ય સરકારે અંબાજીમાં મોહનથાળ અંગે કર્યો મહત્વનો નિર્ણય

પરિવર્તન સંસારનો નિયમ એ અફર સત્ય છે, પણ કેટલાક પરિવર્તન એવા હોય છે કે જે આવકાર્ય હોય તો પણ તેને લાગુ કરવાની એક પ્રક્રિયા હોય છે. પહેલા અંબાજી અને હવે પાવાગઢ મંદિરમાં જે પરંપરા બદલવાના પ્રયત્નો થઈ રહ્યા છે તે પરિવર્તનની પ્રક્રિયામાં ચૂક જ કહી શકાય.. જે ઉતાવળે અંબાજી મંદિરમાં મોહનથાળને બદલે ચિકીનો પ્રસાદ આપવાનો નિર્ણય લેવાયો તે જ ઉતાવળે સરકારે નિર્ણયને ફેરવી પણ તોળ્યો. પાવાગઢ મંદિરમાં છોલેલુ નાળિયેર લઈ જવા પર પ્રતિબંધ પણ હવે એ જ દિશામાં જઈ રહ્યો છે.

સરકાર કે મંદિરના વહીવટદારોએ એ સમજવું રહ્યું કે પરંપરા, આસ્થા, લાગણી, ધર્મ આ એવા શબ્દો અને વિષયો છે જેનું પાલન આદિ – અનાદિકાળથી અનુશાસનાત્મક રીતે થાય છે, એવું પણ નથી કે કોઈ પરંપરા બદલાઈ નથી, કોઈ પ્રથા બદલાઈ નથી, તેમા ફેરફાર થયા છે પણ તે સુચારુ રૂપથી અને કાળક્રમે લાગુ થયા છે. પ્રસાદ એ સ્વાદ કરતા ભાવનો વિષય છે એ વાતમા બેમત નથી પરંતુ એને બદલવાનો નિર્ણય કેમ લેવામાં આવે છે, તેની પાછળનો તર્ક શું છે, દાયકાઓથી ચાલી આવતી પરંપરામાં એવું તે કેવા છિંડા હતા કે તેને બદલવાની જરૂર પડી આ સવાલ કોઈપણ આસ્થાળુ કરવાના જ છે. ત્યારે સરકાર માટે એ આત્મચિંતનનો વિષય છે કે ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડે એવા બદલાવ કરવા જોઈએ કે કેમ. પરંપરા બદલવામાં નેતાઓ કે વેપારીઓ મુખ્ય ભૂમિકામાં હોય તેવું ચિત્ર ઉભુ થાય તે કેટલું યોગ્ય.. ધાર્મિક આસ્થાના સ્થળો વેપારીકરણ તરફ જાય છે કે કેમ  તે એક સવાલ?

રાજ્ય સરકારે અંબાજીમાં મોહનથાળ અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. ત્યારે અંબાજીમાં ફરી મોહનથાળનો પ્રસાદ શરૂ થશે. સરકારના આ નિર્ણયથી માઈ ભક્તોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે. મંદિરમાં મોહનથાળ અને ચિક્કી બંને પ્રસાદ ચાલુ રહેશે. તેમજ ભક્તોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે.

અંબાજી મંદિરમાં ૬ દાયકા પૂર્વથી મોહનથાળનો પ્રસાદ મળે છે. દોઢ વર્ષમાં મોહનથાળના પ્રસાદના ભાવમાં ૧૫૦ ટકાનો વધારો થવા પામ્યો હતો. વર્ષે ૨૦ કરોડનો મોહનથાળનો પ્રસાદ વેચાતો હતો. ત્યારે છેલ્લા ૮ મહિનાથી ચિક્કીનો પ્રસાદ શરૂ કરાયો હતો. ચિક્કી સામે મોહનથાળના પ્રસાદની ડિમાન્ડ વધુ હતી.  ચિક્કીના પ્રસાદમાં નફો વધુ હોવાનો પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું. અંબાજી મંદિરમાં ૪ ચિક્કી ૨૫ રૂપિયામાં વેચવામાં આવે છે. ત્યારે નફા માટે કરોડો લોકોની આસ્થા સામે વ્રજઘાત કરવામાં આવે છે.

પાવાગઢમાં છોલેલું શ્રીફળ નહી લઈ જવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. મંદિરના ટ્રસ્ટીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી નિર્ણય જાહેર કર્યો છે.  ટ્રસ્ટીઓએ નિર્ણય પાછળ સ્વચ્છતા જાળવવાનો તર્ક રજૂ કર્યો છે.  નિર્ણયને ૨૦ મી માર્ચથી અમલમાં મુકવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *