ગુજરાતમાં અત્યારે ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે હવે આજથી તમામ પરીક્ષા કેન્દ્રના CCTV ચેક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી થઈ શકે છે. મહત્વનું છે કે પરીક્ષા દરમિયાન દરેક વર્ગખંડોમાં લગાવવામાં આવેલા સીસીટીવીની ફુટેજની સીડી તૈયાર કરીને સેન્ટરો પર મોકલવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં ૩ અને ગ્રામ્યમાં ૨ સેન્ટર પર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન શહેર અને ગ્રામીણ એમ અલગ અલગ ચકાસણી કેન્દ્રોનું આયોજન કરાયું છે. ગ્રામીણ ક્ષેત્રમાં જે પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓના ક્લાસરૂમના સીસીટીવી ફૂટેજની ચકાસણી ૨ સેન્ટરો પરથી કરાશે. ૧૪ – ૧૫ માર્ચ દરમિયાન લેવાયેલી પરીક્ષાના CCTV ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં શંકાસ્પદ વિદ્યાર્થીઓને આગામી સમયમાં ખુલાસા માટે બોલાવાશે.
બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા શિક્ષણ વિભાગ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો હતો. જે મુજબ બોર્ડની પરીક્ષામાં ક્લાસરૂમના સીસીટીવી વીડિયોને એક નહીં ત્રણ વખત ચેક કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં પહેલાં પરીક્ષા દરમિયાન સીસીટીવીનું લાઇવ મોનિટરિંગ થશે, ત્યારબાદ જિલ્લા કક્ષાએ અધિકારીઓની ટીમ સીસીટીવી વીડિયોની તપાસ કરશે. ત્યાર બાદ ત્રીજા તબક્કામાં બોર્ડ દ્વારા રેન્ડમલી સ્કૂલોના સીસીટીવીની તપાસ કરાશે.
અમદાવાદમાં ક્લાસરૂમના CCTV વીડિયોને ચેક કરવા માટે ૩ ટીમ બનાવવામાં આવી છે. દરેક ટીમમાં ૧૫ શિક્ષકોને રાખવામાં આવ્યા છે. અમદાવાદમાં ૪૫ શિક્ષકો સીસીટીવીની તપાસ કરશે. આ દરમિયાન જો કોઈ વિદ્યાર્થી શંકાસ્પદ જણાશે તો તેની સામે કોપી કેસ થઈ શકશે.
પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કોઈ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા પકડાશે તો તેને કડક સજા કરવામાં આવશે. ચોરી કરનારો વિદ્યાર્થી ૨ વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહીં. ચોરી કરનાર અને કરાવનારા બન્ને વિદ્યાર્થીઓએ ૨ વર્ષ સુધી ઘરે બેસવું પડશે. આ સાથે જ બોર્ડ દ્વારા બીજો પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં હથિયાર સાથે પકડાશે તો તે વિદ્યાર્થી આજીવન પરીક્ષા આપી શકશે નહીં. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા બોર્ડ દ્વારા નિયમો જાહેર કરાયા હતા.