મહારાષ્ટ્રના કોંગ્રેસના સાંસદ સુરેશ ઉર્ફે બાલુ ધનોરકરે નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે નાણામંત્રી પાસે આર્થિક રીતે મજબૂત એવા પૂર્વ સાંસદોનું પેન્શન રોકવાની માંગ કરી છે. નિર્મલા સીતારમણને લખેલા પત્રમાં ધનોરકરે કહ્યું કે, લોકસભા અને રાજ્યસભાના કુલ ૪,૭૯૬ ભૂતપૂર્વ સાંસદો પેન્શન લઈ રહ્યા છે. તેમની પેન્શન પાછળ દર વર્ષે ૭૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે. આ સિવાય ૩૦૦ ભૂતપૂર્વ સાંસદો છે જેનું નિધન થઈ ગયું છે અને તેમના પરિવારજનોને પેન્શન મળી રહ્યું છે.
કોંગ્રેસના સાંસદ સુરેશ ઉર્ફે બાલુ ધનોરકરે પત્રમાં કેટલાક ભૂતપૂર્વ સાંસદોના નામ પણ લખ્યા છે, જેઓ આર્થિક રીતે મજબૂત છે અને છતાં પેન્શન મેળવી રહ્યા છે. જેમાં રાહુલ બજાજ, સંજય દાલમિયા, માયાવતી, સીતારામ યેચુરી, મણિશંકર ઐયર, બોલિવૂડ અભિનેત્રી રેખા અને સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર ચિરંજીવીનો સમાવેશ થાય છે.
ધનોરકરે આ પત્રમાં લખ્યું છે કે, ઘણા આર્થિક રીતે મજબૂત ભૂતપૂર્વ સાંસદો છે જેમને પેન્શનનો લાભ મળી રહ્યો છે. તેમણે નાણામંત્રીને આવા સાંસદો પેન્શન રોકવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, આવા ભૂતપૂર્વ સાંસદો જે આવકવેરાના ૩૦ % સ્લેબમાં આવે છે તેમને પેન્શનનો લાભ મળવો જોઈએ નહીં. તેમણે કહ્યું, ‘મને પૂરી ખાતરી છે કે કોઈપણ દેશભક્ત પૂર્વ સાંસદને આની સામે કોઈ વાંધો નહીં હોય.’
રાજ્યસભાના સાંસદનો કાર્યકાળ ૬ વર્ષનો હોય છે તેથી તેને દર મહિને ૨૭,૦૦૦ રૂપિયાનું પેન્શન મળે છે. જો કોઈ વ્યક્તિ બે ટર્મ એટલે કે ૧૨ વર્ષ સુધી રાજ્યસભા સાંસદ રહે છે તો તેને દર મહિને ૩૯,૦૦૦ રૂપિયાનું પેન્શન મળે છે. સરકાર દર વર્ષે સાંસદોના પેન્શન પર કેટલો ખર્ચ કરે છે? આનો જવાબ RTIમાંથી સામે આવ્યો છે.