કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે દેશમાં ફરી એકવાર ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ભારતમાં છેલ્લા ૪ મહિના બાદ એક જ દિવસમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ સામે આવતા હવે કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. વાત જાણે એમ છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોના કેસોની સંખ્યામાં વધારો થયો છે. આ સાથે દેશમાં H3N2 વાયરસના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ૬ રાજ્યોને સૂક્ષ્મ સ્તરે સ્થિતિ પર નજર રાખવા સૂચનાઓ જાહેર કરી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર ભારતમાં ગુરુવારે (૧૬ માર્ચ) કોરોના વાયરસના ચેપના ૭૫૪ નવા કેસ નોંધાયા છે. દેશમાં સક્રિય કોરોના કેસની કુલ સંખ્યા ૪,૬૨૩ પર પહોંચી ગઈ છે. આ પહેલા ગયા વર્ષે ૧૨ નવેમ્બરે એક જ દિવસમાં કોરોના સંક્રમણના ૭૩૪ કેસ નોંધાયા હતા.
મહારાષ્ટ્ર પણ કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના અત્યાર સુધીની તમામ લહેર દરમિયાન મહારાષ્ટ્રમાં કોવિડ-19ના સૌથી વધુ કેસ નોંધાયા છે. વાત જાણે એમ છે કે, વિદેશથી આવતી મોટાભાગની ફ્લાઇટ્સ મહારાષ્ટ્રમાં જ ઉતરે છે. તેમાંથી ગલ્ફ દેશોમાંથી આવતી ફ્લાઈટ્સ સૌથી વધુ છે. આ પછી દિલ્હીનો નંબર આવે છે. જેના આધારે કહી શકાય કે. મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યો કોરોનાના નવા પ્રકારને ફેલાવવામાં સૌથી આગળ રહ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે જીનોમ સિક્વન્સિંગ, સેમ્પલ કલેક્શન અને કોરોના વાયરસના કેસનું સ્થાનિક મોનિટરિંગ કરવા અને ભીડવાળા સ્થળોએ કોવિડને અનુકૂળ વર્તનને અનુસરવા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. આ સાથે આરોગ્ય કેન્દ્રોમાં કોવિડ – ૧૯ ના પ્રકારો, ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગોથી સંબંધિત કેસ પર નજર રાખવાનું કહેવામાં આવ્યું છે.