આજે ચૈત્રી નવરાત્રિનો છેલ્લો દિવસ છે. આ દિવસે મહાનવમી નિમિત્તે માતાજીના સિદ્ધિ-દાત્રિ સ્વરૂપને પૂજવામાં આવે છે. તમામ મંદિરોમાં આજે શ્રદ્ધાળુઓનું મહેરામણ જોવા મળે છે. તો આજે રામનવમીની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે, ટ્વિટ કરી દેશવાસીઓને, રામનવમીની શુભેચ્છા પાઠવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે આવેલી શાળામાં રામ નવમી નિમિત્તે રામનવમીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૨૫ જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા મહાકાવ્ય રામાયણ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. નાના બાળકો દ્વારા રામાયણના અલગ અલગ પાત્રોને ખૂબ જ સારી રીતે ભાવ પૂર્વક આબેહૂબ વેશભૂષા સાથે નિભાવતા જોઈને વાલીઓ અને પ્રેક્ષકોમાં ખુશી જોવા મળી હતી.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલ ૧૨૭વર્ષ કરતા પણ વધુ જુના મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં સિનિયર સીટીઝન દ્વારા જુના અને પ્રાચીન ગરબા બેસીને ગાવામાં આવ્યા હતા. જેમાં વલ્લભ ભટ્ટના પ્રાચીન ગરબા, આરતી,થાળ, ગવાય છે. મંદિરની અંદર ગવાતા આ ગરબા આજના યુવાનો અને યુવતીઓને પણ આકર્ષી રહ્યા છે.
સુરતના અડાજણ પાલ રોડ પર આવેલા રામજી મંદિરની નજીક જ શ્રી રામનામ મંદિરનું નિર્માણ થયુ છે. જેમા ભગવાનનો કોઈ ફોટો કે મૂર્તિ નથી પણ માત્ર મંત્ર લખેલી બુક્સ છે. અને વચ્ચે વિશ્વશાંતિ રામ સ્તંભ બનાવવામાં આવ્યો છે. ‘વિશ્વશાંતિ હેતુ અર્થે મંદિર બનાવવામાં આવ્યુ છે. તારીખ ૧૨ ડીસેમ્બર ૨૦૧૭ ના રોજ ૧૨૫ કરોડ રામ મંત્ર ના ટાર્ગેટ સાથે આ નામ યજ્ઞનાં શ્રીગણેશ થયા હતા.જેમાં લોકોએ એટલો પ્રતિસાદ આપ્યો કે ટાર્ગેટ તો થોડા મહિનામાં પૂરો થઈ ગયો હતો.