હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ કલાકમાં રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જામનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર, ભુજ, સુરેન્દ્ર નગર, મોરબીમાં વરસાદની આગાહી છે તો દક્ષિણ ગુજરાતમાં નર્મદા, વલસાડ, નવસારી, દાહોદ, સુરત, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી છે. આવતીકાલથી વરસાદની શક્યતા નહીંવત છે.
બનાસકાંઠાના સરહદીય વાવ,થરાદ અને સુઇગામ વિસ્તારોમાં કમોમસી વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા છે. થરાદના બસ સ્ટેન્ડ વિસ્તારમાં જાહેર માર્ગ પર ઢીંચણ સમા પાણી ભરાયા છે. જાહેર માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો સહિત રાહદારીઓ પરેશાન થયા છે.
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. મેઘરજ પંથકમાં છુટાછવાયો વરસાદ વરસ્યો. વરસાદ શરૂ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ઘણા ખેડૂતોનો હજુ ઘઉંનો પાક ખેતરમાં ઉભો હોવાથી ચિંતા વધી ગઈ છે.