વડોદરામાં આજે રામનવમી નિમિત્તે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રા ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચતા એકાએક પથ્થરમારો થતા લોકોમાં દોડ ધામ મચી ગઇ હતી. પથ્થરમારો થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને તમામ વિસ્તાર કોર્ડન કર્યો હતો. ઘટનામાં ટુ વ્હીલર ગાડીઓને નુકસાન થયું છે. મસ્જિદ પાસેથી શોભાયાત્રા પસાર થતી હતી ત્યારે પથ્થરમારો થતાં ચકચાર મચી ગઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ, હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. જે બાદ SRPની 2 ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. SOG, PCB, DCB, SRPની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ સીસીટીવી ચેક કરી કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરશે.