IPL ૨૦૨૩ નો આજથી પ્રારંભ થશે. અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર IPLની પહેલી મેચને લઈ અમદાવાદીઓ સહિત ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહની લાગણી છે. જોકે આ બધાની વચ્ચે અમદાવાદીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, IPLની પ્રથમ મેચ માટે પ્રેક્ષકોને સ્ટેડિયમ પહોંચાડવા અને પાછા લાવવા રાત્રે ૦૨:૩૦ વાગ્યા સુધી મેટ્રો દોડાવાશે. આ સાથે BRTSની ૭૪ બસ રાત્રે ૧૨ વાગ્યા સુધી અને AMTSની ૯૧ બસ રાત્રે ૦૧:૩૦ વાગ્યા સુધી દોડાવાનું નક્કી કરાયું છે.
અમદાવાદમાં ગુરુવારે સાંજે શહેરમાં વરસાદ પડતાં સ્ટેડિયમ વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. જોકે આજે વરસાદની કોઈ શક્યતા ન હોવાથી ક્રિકેટરસિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે યોજાનાર IPL ૨૦૨૩ ની પ્રથમ મેચને લઈ બપોરે ૦૩:૦૦ વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે.
આજે IPL ૨૦૨૩ ની પ્રથમ મેચ ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે હોઇ મોટી સંખ્યામાં લોકો મેચ જોવા ઉમટી પડશે. આ તરફ હવે મેચના દિવસે બપોરે ૦૨:૦૦ વાગ્યાથી જનપથથી મોટેરા સુધીનો રસ્તો વાહનચાલકો માટે બંધ રહેશે. જેથી જનપથથી વિસત ONGC થઈ તપોવન સર્કલ સુધી અવરજવર કરી શકશે. BRTSની ૨૯ વધુ બસો મુકાશે સાથે જ તેના રૂટમાં વધારો કરાશે. આ તરફ સાથે મેટ્રોનો પણ સમય રાત્રિના ૦૨:૩૦ વાગ્યા સુધી કરી દેવાયો છે. દર ૮ થી ૧૦ મિનિટે સ્ટેડિયમથી બસ મળશે.