દિલ્હી એરપોર્ટ પર આજે સંપૂર્ણ કટોકટી જાહેર કરાઇ હતી. વાત જાણે એમ છે કે, દુબઈ જતી FedEx ફ્લાઇટ ટેક-ઓફ કર્યા પછી તરત જ પક્ષી સાથે અથડાતાં દિલ્હી એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી. દિલ્હી એરપોર્ટના અધિકારીઓએ આ જાણકારી આપી હતી. સૂત્રોનું માનીએ તો આ પગલું એટલા માટે લેવામાં આવ્યું હતું કે, એરક્રાફ્ટ દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ શકે અને ટેક્નિકલ એક્સપર્ટ ફરીથી ઉડાન ભરવાની પરવાનગી આપતા પહેલા એરક્રાફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી છે કે નહીં તેની તપાસ કરી શકે.
દિલ્હી એરપોર્ટથી દુબઈ જતી FedEx ફ્લાઇટ ટેક-ઓફ કર્યા પછી તરત જ પક્ષી સાથે અથડાઇ હતી. જે બાદમાં દિલ્હી એરપોર્ટ પર ‘ફુલ ઈમરજન્સી’ લગાવી દેવાઈ હતી. આ દરમિયાન દિલ્હી એરપોર્ટ પર એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ જેવી ઈમરજન્સી સેવાઓ પણ તૈનાત કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, બર્ડ હિટ અસામાન્ય નથી, પરંતુ તે વિશાળ તકનીકી પડકારો રજૂ કરે છે.
સંપૂર્ણ કટોકટીની ઘોષણા ફક્ત શનિવારે સવારે ૧૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધીની હતી. હાલ દિલ્હી એરપોર્ટ પર સ્થિતિ સામાન્ય છે. જ્યારે FedEx કાર્ગો પ્લેન શનિવારે સવારે ૧૦:૦૦ વાગ્યે દિલ્હી એરપોર્ટથી દુબઈ માટે ઉડાન ભર્યું હતું, તેના થોડા સમય પછી તેની આગળની જમણી બાજુએ પક્ષી અથડાયું હતું, ત્યારબાદ તે સવારે ૧૦:૪૬ વાગ્યે દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી ગયું હતું.