સૌરાષ્ટ્રના જિલ્લાઓની સાથે પાટણ, વડોદરા જિલ્લાના લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતોને પણ રૂ. ૩૩૦ કરોડના પેકેજ જાહેર

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું  કે, હરહંમેશ ખેડૂતના કલ્યાણને વરેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખેડૂતોના હિત માટે વધુ એક ક્રાંતિકારી નિર્ણય લઈને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે રૂ. ૩૩૦ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. આ પેકેજ બાબતે પાટણ જિલ્લાના ખેડૂતો માટે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ વડોદરા જિલ્લા માટે દંડક બાલકૃષ્ણભાઇ શુકલ દ્વારા આ બંને જિલ્લાના બટાટાનું વાવેતર કરતા ખેડૂતોને પણ આ પેકેજનો લાભ આપવા કરેલી રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણ અને વડોદરા જિલ્લાના ખેડૂતોના હિતમાં બટાટા માટેની સહાય પેકેજ યોજનામાં આ બે જિલ્લાનો સમાવેશ કરવાનો ત્વરિત નિર્ણય કર્યો છે.

મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે સૌરાષ્ટ્રના જિલ્લાઓની તમામ એ.પી.એમ.સી.માં લાલ ડુંગળી વેચનાર ખેડૂતોને ૧ કટ્ટા દીઠ ૧૦૦ રૂપિયા એટલે કે, ૧ કિલોએ રૂ. ૨ અને લાભાર્થી દીઠ વધારેમાં વધારે ૫૦૦ કટ્ટા (૨૫૦ ક્વિન્ટલ) અથવા ૫૦,૦૦૦ રૂપિયાની મર્યાદામાં આર્થિક સહાય આપવાનો નિર્ણય કરતા અંદાજિત રૂ. ૭૦.૦૦ કરોડ સહાય આપવામાં આવશે. લાલ ડુંગળીની નિકાસમાં સહાય આપવા મળેલ રજૂઆત અન્વયે અગાઉ અપાયેલ બટાટાની વાહતુક સહાયના ધોરણે લાલ ડુંગળી માટે વાહતુક સહાય યોજના માટે રાજયની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એ.પી.એમ.સી)માં નોંધાયેલ ખેડૂતો /વેપારીઓને લાલ ડુંગળી અ‌ન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે વાહતુક સહાય જાહેર કરવામાં આવી છે. તે મુજબ પ્રથમ તબક્કે અંદાજિત ૨.૦૦ લાખ મેટ્રિક ટન લાલ ડુંગળીના નિકાસ માટે રૂ.૨૦.૦૦ કરોડની સહાય જાહેર કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

બટાટાના વધુ ઉત્પાદનના પરિણામે તેના બજાર ભાવ ઓછા હોવાથી રાજ્ય સરકારને આ બાબતે મદદ કરવા અનેક રજૂઆતો મળી હતી. જે સંદર્ભે રાજ્યના બટાટા ઉત્પાદક ખેડૂતોને સહાય કરવા રાજ્યની ખેડૂતહિતલક્ષી સંવેદનશીલ સરકારે ત્વરિત નિર્ણય લઇ કુલ રૂ. ૨૪૦ કરોડની સહાય જાહેર કરી છે. જેમાં ખેડૂતોની અલગ-અલગ પ્રકારે સહાય કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. બટાટાને અ‌ન્ય રાજ્યોમાં કે દેશ બહાર નિકાસ કરવા માટે વાહતુક સહાય અંતર્ગત ખેડૂતો/વેપારીઓને બટાટા અ‌ન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે વાહતુક ખર્ચમાં સહાય માટે પ્રાથમિક અંદાજિત રૂ. ૨૦.૦૦ કરોડ રકમની સહાય કરવામાં આવશે તેમ મંત્રીએ કહ્યું હતું.

મંત્રી રાઘવજીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના બટાટા ઉત્પાદન કરતા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાટા (ટેબલ પર્પઝ) સંગ્રહ કરે તો પ્રતિ કિલો રૂ. ૧/- લેખે ખેડૂતને એક કટ્ટા દીઠ રૂ. ૫૦ અને વધારેમાં વધારે ૬૦૦ કટ્ટા (૩૦૦ કિવન્ટલ)ની મર્યાદામાં આર્થિક સહાય તા. ૧ ફેબ્રુઆરી ૨૦૨૩ થી તા. ૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં આવે તો સહાય આપવામાં આવશે. આ સહાય માટે પ્રાથમિક અંદાજિત રૂ ૨૦૦.૦૦  કરોડ રકમની સહાય કરવામાં આવશે. રાજ્યના એ.પી.એમ.સી.માં બટાટા વેચનાર ખેડૂતને એક કટ્ટા દીઠ રૂ. ૫૦ એટલે કે એક કિલોગ્રામ એ રૂ. ૧/- અને લાભાર્થી દીઠ વધારેમાં વધારે ૬૦૦ કટ્ટા (૩૦૦ કિવન્ટલ)ની મર્યાદામાં આર્થિક સહાય તા. ૧ ફેબ્રુઆરી ૨૦૨૩ થી તા. ૩૧  માર્ચ ૨૦૨૩  સુધીના સમયગાળા માટે આપવામાં આવશે. આ સહાય માટે પ્રાથમિક અંદાજિત રૂ. ૨૦.૦૦ કરોડ રકમની સહાય આપવામાં આવશે.

મંત્રી રાઘવજીએ કહ્યું હતું કે સરકાર દ્વારા પારદર્શકતા અને ખેડૂતોના બેંક ખાતામાં સહાયની રકમ સીધી જમા થાય તે માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. જેથી ખેડૂત ઘરે બેઠા જ પોતાના મોબાઈલથી અથવા ગ્રામ પંચાયત ખાતેથી VC મારફત ઓનલાઈન અરજી કરી શકશે અને સહાય યોજનામાં લાભ મેળવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *