અત્યારે બારમાસી મસાલો ભરવાની સિઝન ચાલી રહી છે અને મોટાભાગે લોકો અત્યારે મરચું, હળદર જીરુ સહિત તમામ મસાલાની ખરીદી એક સાથે કરતા હોય છે. ત્યારે મરચું અને જીરા સહિત મસાલાના પણ ભાવમાં અસહ્ય ઉછાળો આવતા બારમાસી મસાલો ભરતા લોકોની હાલત કફોડી બની છે.
આ વર્ષે મરચું અને જીરામાં ગત વર્ષે કરતા ૩૦ થી ૫૦ % સુધીનો ભાવવધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે આ સિઝનમાં પિસેલું મરચું ૪૦૦ થી ૫૦૦ રૂપિયે કિલોના ભાવે મળતું હતું, જેમાં આ વર્ષે રૂપિયા ૨૦૦ રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. કાશ્મીરી મરચું ૫૦૦ રૂપિયાની જગ્યાએ ૧૧૦૦ રૂપિયા, રેશમપટ્ટી ૩૦૦ ની જગ્યાએ ૬૦૦, મારવાડ મરચું ૨૫૦ ની જગ્યાએ ૫૦૦ અને પટણી મરચું ૨૫૦ ની જગ્યાએ ૪૫૦ માં વેચાય છે. જ્યારે જીરુંમાં રૂપિયા ૪૦ નો વધારો થયો છે. સમગ્ર દેશમાં આંધ્રપ્રદેશ અને કર્ણાટક રાજ્યમાંથી ૮૫ % મરચાનું ઉત્પાદન થાય છે. આમ ગત ડિસેમ્બર માસમાં ઉપરા છાપરી બે વાવાઝોડા આવી પડતા મરચાનો પાક ખરી પડ્યો હતો. આમ પાક નુકસાની ખૂબ જ મોટાપ્રમાણમાં જોવા મળતા મરચાનું ઉત્પાદન ઓછું થયું છે અને માંગ વધી જતાં ભાવમાં વધારો થયો છે.
ગૃહિણી નિશા લીંબાસિયા એ કહ્યું હતું કે હું નારણપુરા થી દર વર્ષે અહીયા મરચું ખરીદવા આવું છું. ત્યારે આ વર્ષે ચાર ગણો ભાવ કહીએ તો પણ વધી ગયો છે. ગયા વર્ષે મેં ૧૦,૦૦૦ ની અંદર તમામ મસાલા ભરી દીધા હતા. ત્યાર આ વખતે સાડા સાત હજારનું તો માત્ર મરચું જ થયું છે. એટલે કહેવાનો મતલબ એમ કે ભાવ વધી ગયો છે. અને જે નોકરીયાત વર્ગ છે તેને તો આ ભાવ પરવડે નહી. ત્યારે મસાલા તેમજ હાલમાં દૂધનો ભાવ પણ વધ્યો છે. તેમજ દિવસેને દિવસે મોંઘવારી વધતી જાય છે.