રેલી ન થઈ શકતા અમિત શાહે સાસારામના લોકોની માફી માંગી

કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહ તેમના બે દિવસીય બિહાર પ્રવાસે છે. રાજ્યમાં ચાલી રહેલી હિંસા વચ્ચે અમિત શાહે રવિવારે નવાદામાં જનસભા કરી હતી. આ દરમિયાન અમિત શાહે સાસારામના લોકોની માફી માંગી હતી કારણ કે તેમની રેલી ત્યાં થઈ શકી ન હતી. શાહે કહ્યું કે, હું જ્યારે આગામી સમયમાં બિહાર આવીશ ત્યારે ચોક્કસ સાસારામ આવીશ. અમિત શાહે કહ્યું કે, સાસારામમાં હિંસાને કારણે ત્યાં જઈ શક્યા નથી. પોતાની રેલીમાં અમિત શાહે બિહાર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, હું સાસારામની માફી માંગવા માંગુ છું, પરંતુ સાસારામના લોકોને કહેવા માંગુ છું કે, ટૂંક સમયમાં જ અમે મહાન સમ્રાટ અશોકની યાદમાં સાસારામમાં એક સંમેલન યોજીશું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે, સાસારામમાં જલ્દી શાંતિ સ્થપાય. કારણ કે સરકારને કહેવાનો કોઈ અર્થ નથી. મેં રાજ્યપાલ સાથે આ વિશે વાત કરી. હું તેમને કહેવા માંગુ છું કે, હું આ દેશનો ગૃહમંત્રી છું, બિહાર પણ આ દેશનો એક ભાગ છે. જો તમે શાંતિ વ્યવસ્થા સંભાળી ન શક્યા તો અમારે ચિંતા કરવાની જરૂર છે.

અમિત શાહે લાલુ પ્રસાદ યાદવને જંગલ રાજના પ્રણેતા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, નીતીશ બાબુ સત્તાની ભૂખે તમને લાલુના ખોળામાં બેસવા માટે મજબૂર કર્યા, પરંતુ અમારી કોઈ મજબૂરી નથી. અમે જનતાની વચ્ચે જઈને લોકોની સમસ્યાઓ હલ કરીશું. તેમણે કહ્યું કે, મેં આવી સ્વાર્થી સરકાર જોઈ નથી. જેઓ સત્તાના લોભમાં માત્ર પોતાના વિશે જ વિચારે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગળ કહ્યું કે, આજે હું લાલુજીને પણ કહેવા આવ્યો છું, તમે નીતીશ બાબુને જાણો છો, પીએમ તો એ બનવાથી રહ્યા ત્યાં કોઈ જગ્યા ખાલી નથી. દેશની જનતા પીએમ મોદીને ત્રીજી વખત પણ ચૂંટશે. ન તો તેજસ્વી CM બનશે, ન નીતીશ પીએમ. અમિત શાહે કહ્યું કે, બિહાર સરકાર ખરાબ ઈરાદાઓ અને ખરાબ નીતિઓની સરકાર છે. ભ્રષ્ટાચારની B, અરાજકતાની A અને દમનની D. આ ત્રણેયને જોડીને આ સરકાર બની છે અને તેને જડમૂળથી ફેંકી દેવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *