ગુજરાતમાં ઉનાળો અને ચોમાસું સાથે ચાલતું હોય તેવું લાગી રહ્યું છે. એપ્રિલ શરૂ થયાને ત્રણ દિવસ થયા છે. ત્યારે આ મહિને પણ વારંવાર વાતાવરણમાં પલટો આવવાના એંધાણ છે. એપ્રિલ શરું થયો છે હજુ તો ઉનાળાની ગરમીનો અહેસાસ થવાનો શરું થયો ત્યાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ૦૬ અને ૦૭ એપ્રિલના રોજ કમોસમી વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, વધુ એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેના કારણે ૦૬ અને ૦૭/૦૪/૨૦૨૩ ના ઉતર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં માવઠુ થવાની શક્યતા છે. એટલે એવું કહી શકાય કે ફરી ગુજરાત માટે ભારે દિવસોની શરૂઆત થવા જઈ રહી છે. હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતોની માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. વરસાદની અને વાતાવરણમાં આવી રહેલા પલટાની સીધી અસર ખેડૂતો પર પડી રહી છે.
હવામાન વિભાગે આગામી ૩ દિવસમાં ગરમીમાં પણ વધારાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, અમદાવાદમાં ગરમીનો પારો ૩૯ ડિગ્રી પહોંચવાની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં ભારે પવન ફૂંકાશે.