રાજ્યભરમાં આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે. રાજ્યના ૩૨ જિલ્લામાં યોજાનારી પરીક્ષાને લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જડબેસલાક તૈયારી કરી છે. આજે રાજ્યના ૩૨ જિલ્લાના ૩ હજાર કેન્દ્ર પર ૯.૫૩ લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. આ માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે બપોરે સાડા બાર વાગ્યે યોજાશે. પરંતુ ઉમેદવારોએ પોણા બાર સુધી પરીક્ષા કેન્દ્રની અંદર પહોંચી જવું પડશે. પરીક્ષા કેન્દ્રો ખાતે ઉમેદવારોનું વોર્ન કેમેરાથી ચેકિંગ કરાશે.
આજે એસ.ટી વિભાગ દ્વારા પણ ૬ હજાર બસ પરીક્ષાર્થીઓ માટે દોડાવવામાં આવી રહી છે. જ્યારે રેલવે દ્વારા પણ ‘પરીક્ષા સ્પેશિયલ ટ્રેન’ દોડાવવામાં આવી છે. પરીક્ષાર્થીઓ ગત રાતે જ પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે રવાના થયા હતા. આજે દરેક કેન્દ્ર પર બોડી વોર્ન કેમેરાથી ચેકિંગ કરવામાં આવશે, કોઈપણ ‘ડમી ઉમેદવાર’ કેન્દ્રમાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે તો તે ગેટ પર જ પકડાઈ જશે. ડમી ઉમેદવાર સામે નવા કાયદા મુજબ પગલા લેવાશે. સાથે વર્ગ ખંડથી લઈને પરીક્ષા કેન્દ્રના પરિસર અને લોબીમાં સીસીટીવી કેમેરાથી નજર રખાશે. રાજ્યમાં ૫૦૦ થી વધુ ફ્લાઈંગ સ્કવોર્ડ અલર્ટ રહેશે.
પરીક્ષાનું પેપર લીક થતાં વહીવટી તંત્રએ આ વખતે ઉમેદવારોના પરીક્ષા કેન્દ્રની જિલ્લા ફેરબદલી કરી નાખી છે. ઉમેદવારો પાન, ઓળખકાર્ડ, કોલ લેટર સિવાય કોઈ પણ વસ્તુ વર્ગખંડમાં નહીં લઇ જઈ શકે. સાથે જ નિરીક્ષક પણ કેન્દ્ર ખાતે મોબાઇલ ફોનનો ઉપયોગ નહીં કરી શકે. ઉમેદવારોએ બુટ-ચંપલ પણ વર્ગ ખંડની બહાર કાઢવા પડશે. સરકારે પ્રથમ વખત પરીક્ષાર્થી ઉમેદવારોને કેન્દ્રો સુધી પહોંચવા માટે ૨૫૪ રૂપિયા મુસાફરી ભથ્થું આપ્યું છે.