ભારતનાં નાણામંત્રી નિર્મલા સીતારમણ હાલમાં USમાં છે જ્યાં તેમણે ભારત અને પાકિસ્તાનમાં મુસ્લિમ તેમજ અલ્પસંખ્યકોની સ્થિતિ અંગે મોટું નિવેદન આપ્યું છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે US સ્થિત પીટરસન ઈન્સ્ટીટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સમાં એક કાર્યક્રમ દરમિયાન ભારત માટે પશ્ચિમી દેશોની એક ધારણા અંગે ખુલાસો કર્યો છે. તેમણે ભારત માટેની નકારાત્મક પશ્ચિમી ધારણા પર તીખો જવાબ આપ્યો છે. સીતારમણે કહ્યું કે ભારતમાં મુસ્લિમો અને અલ્પસંખ્યકોની સ્થિતિ પાકિસ્તાનમાં રહેનારાં મુસલમાનોની તુલનામાં ઘણી સારી છે.
નિર્મલા સીતારમણે ભારતમાં રોકાણ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું કે મને લાગે છે તેનો જવાબ એ રોકાણકારો પાસે છે જે ભારત આવી રહ્યાં છે. આ તે રોકાણકારો છે કે જે છેલ્લાં કેટલાક વર્ષોથી ભારત આવી રહ્યાં છે. કોઈપણ રોકાણકારો જે રોકાણ હાસિલ કરવામાં રૂચિ રાખે છે તેમને હું માત્ર એટલું જ કહીશ કે તેઓ એ જુએ કે ભારતમાં થઈ શું રહ્યું છે, નહીં કે કેટલાક લોકોની ખોટી ધારણાઓ પર વિશ્વાસ કરે જે ખુદ હકીકતથી અજાણ હોય છે અને માત્ર રિપોર્ટ તૈયાર કરી દે છે.
PIIIનાં અધ્યક્ષ એડમ એસ પોસને સીતારમણને પૂછ્યું કે પશ્ચિમી મીડિયામાં વિપક્ષી દળોનાં સાંસદોની સીટ ગુમાવ્યાની અને ભારતમાં મુસ્લિમ અલ્પસંખ્યકોની હિંસાનાં વિશે મોટાપાયે રિપોર્ટિંગ થઈ રહી છે. તેના પર નાણામંત્રીએ જવાબ આપ્યો કે દુનિયામાં ભારત એવો દેશ છે કે જ્યાં દ્વિતીય સૌથી મોટી આબાદી મુસ્લિમ છે અને તેમા વધારો જ થઈ રહ્યો છે. જો કોઈને લાગે છે કે ભારતમાં રાજ્યોનાં સમર્થનથી મુસલમાનોનું જીવન અઘરું બનાવી દીધું છે તો શું વર્ષ ૧૯૪૭ ની તુલનામાં વધારો થયો હોત? સીતારમણે આ બાદ વિભાજનની વાતનો ઉલ્લેખ કરીને વિભાજન સમયનાં ભારત અને નવા બનેલા દેશ પાકિસ્તાનની તુલના કરી.
અલ્પસંખ્યકોની સંખ્યામાં જો ક્યાંય ઘટાડો આવ્યો હોય તો તે પાકિસ્તાનમાં છે. પાકિસ્તાન કે જેણે પોતાને મુસ્લિમ દેશ જાહેર કર્યો છે અને જેણે અલ્પસંખ્યકોની રક્ષા કરવાનું વચન આપ્યું હતું આજે ત્યાં દરેક અલ્પસંખ્યક સમુદાયની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.