ગુજરાતમાં ઉનાળાના આગમન ટાણે અટલે કે ફેબ્રુઆરીથી માર્ચ સુધી માવઠાના માર બાદ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ગરમી જોર પકડી રહી છે. આ વચ્ચે હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર વ્યાપી ગયો છે. મંગળવારે ૯ શહેરોમાં મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રીથી વધારે નોંધાયું છે. ગરમ – સૂકા પવનના કારણે તાપમાનમાં વધારો થયો છે. હજુ ૨૪ કલાક ગરમીનું જોર યથાવત રહેશે. રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો ૧૪ અને ૧૫ એપ્રિલે અમદાવાદમાં હિટ વેવની આગાહી છે.
અમદાવાદમાં હિટ વેવેની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું કે, સાઈક્લોનિક સર્ક્યુલેશનથી ૧૩ – ૧૪ એપ્રિલે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,
૧૨ એપ્રિલે ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે છે.
૧૩ એપ્રિલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની સંભાવના છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદની આગાહી છે.
૧૪ એપ્રિલના રોજ વલસાડ, સુરત, નવસારી, સુરત,અમરેલી,ભાવનગર,દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો થયો છે. સોમવારે ૧૭ શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીએ પહોંચ્યા બાદ ગઈકાલે તાપમાનમાં સરેરાશ એકથી બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અમદાવાદમાં પણ તામપાન ૪૧ ડિગ્રી વટાવી ગયું હતું.
અમદાવાદ શહેરમાં આકરી ગરમી પણ અમદાવાદીઓને રાડ પડાવશે, કેમ કે આગામી અઠવાડિયા દરમિયાન ગરમીનો પારો ૪૦ થી ૪૧ ડિગ્રી વચ્ચે રહેશે. અમદાવાદ શહેરમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. હવે આખો દિવસ આકરો તાપ રહેતો હોઈ લોકો રાડ પાડી ઉઠ્યા છે. બપોરના સમયે તો સન્નાટો છવાઈ જાય છે. લોકો આકરા તાપથી બચવા કામ સિવાય ઘર કે ઓફિસની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બીજી તરફ સાંજ પડતાની સાથે લીબું પાણી, શેરડીનો રસ અને બરફના ગોલા ખાઈને લોકો તાપ સામે રક્ષણ મેળવી રહ્યા છે. ગરમી વચ્ચે માવઠાના વધુ એક રાઉન્ડની સંભાવનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માર્ચ મહિનામાં પણ અનેક જિલ્લામાં માવઠાથી પાક પર અસર પડી હતી.