તલાટી કમ મંત્રીની પરીક્ષાની તારીખ જાહેર, આગામી ૭ મે ના રોજ યોજાશે પરીક્ષા

આગામી ૭ મેના રોજ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાશે. તલાટીની પરીક્ષામાં જે ઉમેદવારો પરીક્ષા આપવા માગશે તેઓ કન્ફોર્મેશન આપવું પડશે. જુનિયર ક્લાર્કની પરીક્ષા ૩,૯૧,૭૩૬ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી. ટકાવારી પ્રમાણે વાત કરીએ તો ૪૧ % ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર તલાટી કમ મંત્રીની પરીક્ષા અંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ૩૦ મી એપ્રિલે લેવાનાર તલાટીની પરીક્ષા હવે આગામી તા. ૭મી મે ૨૦૨૩ના રોજ યોજાશે. તેમણે ઉમેર્યું કે, ભૂતકાળમાં પણ રાજ્યના વિવિધ બોર્ડ દ્વારા લેવાયેલ એક સ્ટેજ પરીક્ષાઓમાં ૪૦ ટકાથી ૫૦ ટકા જેટલા જ ઉમેદવારો હાજર રહેતા હોવાનું જણાયું છે. જ્યારે મોટા પ્રમાણમાં ઉમેદવારો ગેરહાજર રહેવાના કારણે સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થામાં ઘણા સમય, શક્તિ અને સંસાધનનો વ્યય થાય છે.  આથી આ બાબતને  ધ્યાનમાં લઇ જે ઉમેદવારો પરીક્ષામાં ભાગ લેવા માંગતા હોય તેટલા ઉમેદવારો અગાઉથી કન્ફર્મેશન આપે તેટલા જ ઉમેદવારોની વ્યવસ્થા કરી પરીક્ષા લેવામાં આવે તો સાધનો બિનજરૂરી રીતે વેડફાય નહી તથા પરીક્ષા માટે વધુ સારી વ્યવસ્થા ગોઠવી શકાય. આ માટે તલાટી કમ મંત્રીની પરીક્ષામાં બેઠક વ્યવસ્થા ગોઠવતા પૂર્વે જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગતા હોય તેમની પાસેથી અગાઉથી કન્ફર્મેશન લેવાની વ્યવસ્થા કરવાનું મંડળે નિર્ણય કર્યો છે. ઉમેદવારોએ અગાઉથી કન્ફર્મેશન આપવાનું રહેશે, કન્ફર્મેશન નહી આપનાર પરીક્ષા આપી શકશે નહી, એમ મંત્રીએ ઉમેર્યું હતું.

મંત્રીએ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં લેવાયેલ જુનિયર ક્લાર્ક પરીક્ષાની વિગતો જાહેર કરતાં કહ્યું કે, તા. ૦૯-૦૪-૨૦૨૩ના રોજ મંડળ દ્વારા લેવામાં આવેલ જુનીયર કલાર્કની પરીક્ષામાં ૯,૫૩,૭૨૩ ઉમેદવારો પૈકી ૩,૯૧,૭૩૬ ઉમેદવારોએ પરીક્ષામાં હાજરી આપી હતી. આમ, માત્ર ૪૧ ટકા ઉમેદવારો જ પરીક્ષામાં હાજર રહ્યાં હતાં. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર તલાટી કમ મંત્રીની પરીક્ષા તા.૩૦-૦૪-૨૦૨૩ ના રોજ લેવાનું મંડળે આયોજન કર્યું હતું. પરંતુ પરીક્ષાની પ્રક્રિયામાં લાગનાર સમયને ધ્યાનમાં લઇ આ પરીક્ષા હવે તા. ૩૦-૦૪-૨૦૨૩ના બદલે આગામી તા.૦૭-૦૫-૨૦૨૩ના રોજ લેવાનો રાજ્ય સરકારે ઉમેદવારોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. જેની વિગતવાર જાહેરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષામાં અંદાજે ૧૭,૧૦,૩૮૬ ઉમેદવારો ભાગ લેવાના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *