કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે માનહાની કેસ મામલે આજે સુરત કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે, સજા સામે રાહુલ ગાંધીએ સ્ટેની કરી છે માંગ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર આજે એટલે કે ગુરુવારે સુરતની સેશન્સ કોર્ટમાં સુનાવણી થશે. સુરત મેટ્રોપોલિટન કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં દોષી ઠેરવ્યા બાદ તેમને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ તરફ રાહુલને ૨૪ માર્ચે લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. તેમણે ૩ એપ્રિલના રોજ સેશન્સ કોર્ટમાં તેની દોષિત ઠરાવ સામે અપીલ દાખલ કરી હતી.
એડિશનલ સેશન્સ જજ આરપી મોગેરાની કોર્ટે ૩ એપ્રિલે રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા અને દોષિત ઠેરવવા પર સ્ટે માંગતી તેમની અરજી પર સુનાવણી ૧૩ એપ્રિલ સુધી મુલતવી રાખી હતી. કોર્ટે પૂર્ણેશ મોદીની સાથે ગુજરાત સરકારને પણ નોટિસ પાઠવી હતી. બુધવારે આ જ સુનાવણીમાં ભારતીય જનતા પાર્ટી ( BJP )ના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ફોજદારી માનહાનિ કેસમાં દોષિત ઠરાવવાની રાહુલ ગાંધીની અરજીનો વિરોધ કરતા કહ્યું કે, કોંગ્રેસ નેતા “પુનરાવર્તિત અપરાધ” છે અને તેમને અપમાનજનક નિવેદનો કરવાની આદત છે.
પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આરોપી “પુનરાવર્તિત અપરાધીઓ” છે અને તેમના બદનક્ષીભર્યા નિવેદનો માટે અન્યત્ર આરોપોનો સામનો કરી રહ્યા છે અને એક કેસમાં માફી માંગ્યા પછી હાઇકોર્ટે તેમને ચેતવણી આપી હતી. તેમના સોગંદનામામાં બીજેપી નેતાએ ૧૧ ફોજદારી માનહાનિના કેસનો ઉલ્લેખ કર્યો છે જેનો રાહુલ ગાંધી સામનો કરી રહ્યા છે.