દિલ્હીના દ્વારકા જિલ્લાના મટિયાલા વિસ્તારમાં BJP કિસાન મોરચાના નેતા સુરેન્દ્ર મટિયાલાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવતા હડકમાપ મચી ગયો છે. જો પોલીસ સૂત્રોનું માનીએ તો સુરેન્દ્ર મટિયાલાને ૬ ગોળી વાગી હતી. આ પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પણ ત્યાં તેમનું મોત થયું છે. ગઈકાલે સાંજનાં સમયે સુરેન્દ્ર મટિયાલા પોતાની ઓફિસમાં બેઠા હતા ત્યારે હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો અને તેમનું મોત થયું.
દ્વારકા જિલ્લાના મટિયાલા રોડ પર સુરેન્દ્ર મટિયાલા પર અજાણ્યા બાઇક સવાર બદમાશોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના બિંદાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ હતી. સુરેન્દ્ર મટિયાલા નજફગઢ જિલ્લા કિસાન મોરચાના અધ્યક્ષ હતા અને કોર્પોરેટરની ચૂંટણી પણ લડ્યા હતા. જોકે હાલ પોલીસ આ ગોળીબાર મામલે તપાસ કરી રહી છે. આ મામલામાં દ્વારકા જિલ્લાના ડીસીપી એમ હર્ષવર્ધને જણાવ્યું કે, સ્થળ પર કેસની તપાસમાં જાણવા મળ્યું કે, સુરેન્દ્ર મટિયાલાને ઘણી વખત ગોળી વાગી હતી. તેમને તબીબે મૃત જાહેર કર્યો છે.
દ્વારકા જિલ્લાના ડીસીપીએ વધુમાં જણાવ્યું કે, સુરેન્દ્ર મટિયાલા ઓફિસમાં હતા ત્યારે તેમને ગોળી મારી દેવામાં આવી હતી. તપાસમાં જે પણ વધુ માહિતી બહાર આવશે તે તુરંત અપડેટ કરવામાં આવશે. પોલીસની અનેક ટીમો તૈનાત કરવામાં આવી છે. સુરેન્દ્ર મટિયાલાની હત્યા શા માટે કરવામાં આવી, આ મામલે તપાસ ચાલી રહી છે.