માફિયા અતીક અને તેના ભાઈ અશરફની શનિવારે રાત્રે પ્રયાગરાજમાં હત્યા કરવામાં આવી હતી. પોલીસ તેને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ જતી હતી. સાથે જતી વખતે પત્રકારો અતીકને પ્રશ્ન કરી રહ્યા હતા. આ દરમિયાન, ત્રણ યુવકો પોલીસની સુરક્ષા કોર્ડન તોડવા માટે મીડિયા પર્સન તરીકે આવ્યા હતા અને અતીકને માથામાં ગોળી મારી દીધી હતી. આ પછી અશરફ પર ફાયરિંગ થયું હતું. બન્ને ત્યાં જ ઢળી પડ્યા હતા.
હુમલાખોર પાસેથી મીડિયા કાર્ડ, કેમેરા અને માઈક પણ મળી આવ્યા છે. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ હુમલામાં કોન્સ્ટેબલ માનસિંહને પણ ગોળી વાગી હતી, જેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્રણેય હુમલાખોરોએ સરેન્ડર કરી દીધું છે. યુપી પોલીસ હાલમાં આ મામલે કંઈ બોલી રહી નથી. હુમલા બાદ તરત જ યુપીના ADG લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમાર મુખ્યમંત્રી યોગીને મળવા પહોંચ્યા હતા. આ ઘટનાના પગલે UPમાં હાઇએલર્ટ આપવામાં આવ્યું છે.
આ ઘટનાથી પ્રયાગરાજથી લઈને લખનઉ સુધી હડકંપ મચી ગયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાઇલેવલ મિટિંગ બોલાવી હતી. મુખ્યમંત્રી યોગીએ તમામ મોટા અધિકારીઓને બેઠક માટે બોલાવ્યા હતા. બેઠક બાદ મુખ્યમંત્રી યોગીએ ત્રણ સભ્યોની ન્યાયિક તપાસ સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ઘટના બાદ ૧૭ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રયાગરાજમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે.