સંયુક્ત અરબ અમીરાત ( UAE )ના દુબઈમાં એક રહેણાંક મકાનમાં લાગેલી આગમાં ૧૬ લોકોના મોતની ઘટના સામે આવી છે. આ સાથે આ ઘટનામાં અન્ય ૯ લોકો ઘાયલ થયા છે. વિગતો મુજબ મકાનમાં લાગેલી આગમાં મોતને ભેટેલા લોકોમાં ૪ ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. ભારતીય મૃતકોમાં ૩૮ વર્ષીય રિજેશ અને તેમની ૩૨ વર્ષીય પત્ની જીશી, વેંગારા, મલપ્પુરમ, કેરળના રહેવાસી, અબ્દુલ કાદર અને સલિયાકુંડ, તમિલનાડુનો સમાવેશ થાય છે.
દુબઈનાં સ્થાનિક અખબાર દ્વારા આપવામાં આવેલા ‘દુબઈ સિવિલ ડિફેન્સ’ના નિવેદનને ટાંકીને કહ્યું કે, આ ઘટનામાં ૧૬ લોકો માર્યા ગયા અને નવ લોકો ઘાયલ થયા. તેમણે જણાવ્યું કે, શનિવારે દુબઈના અલ રાસ વિસ્તારમાં આગ લાગી હતી. અહીં દુબઈનું મસાલા બજાર આવે છે, જે દુબઈ ક્રીક પાસે પ્રવાસનનું મોટું કેન્દ્ર છે.
દુબઈ પોલીસ મોર્ગમાં હાજર ભારતીય સામાજિક કાર્યકર નસીર વતનપલ્લીને ટાંકીને જણાવ્યું હતું કે, પીડિતોમાં કેરળના એક દંપતી સહિત ચાર ભારતીયોની ઓળખ કરવામાં આવી છે. વતનપલ્લીએ કહ્યું, અત્યાર સુધી અમે ૪ ભારતીયોને ઓળખવામાં સફળ થયા છીએ, જેમાં કેરળના એક દંપતી અને તમિલનાડુના બે પુરુષોનો સમાવેશ થાય છે જેઓ બિલ્ડિંગમાં કામ કરતા હતા. આ સિવાય ૩ પાકિસ્તાની યુવકો અને એક નાઈજીરિયન મહિલાનું પણ મોત થયું છે.
સરકારના નિવેદનમાં આગ લાગવાનું કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી, પરંતુ સંકેત આપ્યો છે કે, પાંચ માળના એપાર્ટમેન્ટમાં કોઈ સમસ્યાને કારણે આગ લાગી હતી. અધિકારીઓએ સુરક્ષાના કારણોસર ઇમારતને સીલ કરી દીધી છે. જેના કારણે આગમાં બચી ગયેલા તમામ પરિવારો પણ રાતોરાત બેઘર બની ગયા હતા. એક ન્યૂઝ એજન્સીએ એક પ્રત્યક્ષદર્શીને ટાંકીને કહ્યું કે, ‘અમે સૌપ્રથમ એક ACમાંથી આગ નીકળતી જોઈ. થોડીવાર પછી વિસ્ફોટનો અવાજ સંભળાયો, પછી આગ થોડી જ વારમાં ફેલાઈ ગઈ અને અમે ધુમાડાના ગોટેગોટા ઉછળતા જોઈ શક્યા.