કંડલાના દીનદયાળ મહાબંદર ખાતે રૂ.૧૨૩ કરોડના ખર્ચે ઓઈલ જેટીના પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી

કંડલા બંદર દેશના અર્થતંત્રને નવી દિશા આપવાની ક્ષમતા ધરાવે છે.

કેન્દ્ર સરકારે કંડલાના દીનદયાળ મહાબંદર ખાતે ૧૨૩ કરોડ રૂપિયાના ખર્ચે ઓઈલ જેટીના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જાહેર- ખાનગી ભાગીદારી હેઠળ કંડલા ખાતે તમામ પ્રકારના પ્રવાહી કાર્ગોને માટે દીનદયાલ પોર્ટ ખાતે ઓઇલ જેટ્ટીને મંજૂરી આપી હતી. સર્બાનંદ સોનોવાલે કહ્યું કે, કંડલા બંદર દેશના અર્થતંત્રને નવી દિશા આપવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રોજેક્ટ સીમાચિહ્નરૂપ બની રહેશે કારણ કે, આ જેટી સમગ્ર અંતરિયાળ વિસ્તારોમાં એકંદર આર્થિક વૃદ્ધિને વેગ આપવાની સાથે પોર્ટની ક્ષમતાને વધારશે. દેશમાં વેપાર અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવામાં બંદરો મહત્વની ભૂમિકા ભજવે છે. આ પ્રોજેક્ટ બંદરની કાર્ગો ક્ષમતા વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. તે જહાજમાં પ્રવાહી હેરફેરના સમયમાં ઘટાડાનું કારણ બનશે. આ પ્રોજેક્ટમાં રોયલ્ટીની વસૂલાત દ્વારા દીનદયાલ પોર્ટની આવકમાં વધારો થશે.

ભારતમાં બંદર ક્ષેત્રે વિકાસ માટેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે ગુજરાત રાજ્યમાં સાગરમાલા કાર્યક્રમ હેઠળ રૂ. ૫૭,000 કરોડના ૭૪ પ્રોજેક્ટની શરૂઆત કરી છે. જેમાંથી રૂ. ૯,000 કરોડના ૧૫ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા છે. ૨૫,000 કરોડથી વધુની કિંમતના ૩૩ પ્રોજેક્ટ્સ અમલમાં છે અને ૨૨,૭00 કરોડ રૂપિયાના ૨૬ પ્રોજેક્ટ્સ વિકાસ હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *