સુદાનની સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચેના સત્તા સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૫૯ થી વધુ નાગરિકો માર્યા ગયા છે અને લગભગ ૬૦૦ ઘાયલ થયા છે. સુદાનમાં કામ કરતો આલ્બર્ટ ઓગસ્ટિન નામનો ભારતીય પણ ઘાયલ થયો હતો, જેનું પાછળથી મોત થયું હતું. વિદેશ મંત્રી એસ. જયશંકરે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. વિદેશ મંત્રીએ ટ્વીટમાં કહ્યું છે કે ભારતીય દૂતાવાસ મૃતકના પરિવારને શક્ય તમામ મદદ કરી રહ્યું છે. સુદાનમાં બંને પક્ષો વચ્ચે સંઘર્ષ હજુ પણ ચાલુ છે. યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે બંને પક્ષોને સંઘર્ષ અટકાવવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.
સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચેની લડાઈ ચાલુ હોવાથી દેશભરમાં ભારે અથડામણના અહેવાલ છે. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં ૫૯ લોકો માર્યા ગયા છે અને યુએનના ત્રણ કર્મચારીઓ સહિત ઘણા લોકો ઘાયલ થયા છે. યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન, રશિયા, ઇજિપ્ત, સાઉદી અરેબિયા, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, યુરોપિયન યુનિયન અને આફ્રિકન સંઘે યુદ્ધવિરામની હાકલ કરી છે. સેના અને રેપિડ સ્પોર્ટ ફોર્સ – RSF વચ્ચેની અથડામણનો આજે બીજો દિવસ છે. આ બંને સૈન્ય દળોએ ૨૦૧૯ માં ઇસ્લામિક નિરંકુશ શાસક ઓમર હસન અલ-બશીરને હટાવી દીધા હતા. જે બાદ આ બંને વચ્ચે પહેલીવાર ઝઘડો થયો છે. તેનું કારણ આરએસએફને સેનાનો હિસ્સો બનાવવાના મુદ્દે સહમત થવાની અસમર્થતા છે. બંને પક્ષો તેમના નિયંત્રણ હેઠળના વિસ્તારને લઈને વિરોધાભાસી દાવા કરી રહ્યા છે. સુદાનની સેનાનું કહેવું છે કે તેણે પોર્ટ સુદાન, કાસલા, કરાડે, ડેમાજિન અને કોસ્ટીમાં RFS પોઝિશન્સ પર નિયંત્રણ મેળવી લીધું છે. બીજી તરફ આરએસએફનું કહેવું છે કે તેણે દેશના ઉત્તરમાં ઓમદુરમન અને ડાર્ફુર પર કબજો કરી લીધો છે. RSF પણ મેરોવે એરપોર્ટના નિયંત્રણનો દાવો કરે છે.