રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદને લઈ મહત્વના સામાચાર સામે આવ્યા છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે સરવે સહિતની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે હવે રાજ્ય સરકાર ટૂંક જ સમયમાં કમોસમી વરસાદ અંગેનું પેકેજ જાહેર કરી શકે છે.
કમોસમી વરસાદ અંગેનું જાહેર કરશે પેકેજ
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેતીના પાકમાં ખાસું એવું નુકસાન થયું છે જેને લઈ સરવેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે સરવેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે રાજ્ય સરકાર ટૂંક જ સમયમાં કમોસમી વરસાદને લઈ રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વરસાદના કારણે થેયલા નુકસાની વળતર અંગે નિર્ણય કરશે તેમજ સરકાર SDRF ના ધારા ધોરણોથી ઉપર ઉઠીને પાક નુકસાનીનું વળતર ચૂકવે તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે. આવતીકાલની કેબિનેટ બેઠકમાં પાક નુકસાનીના વળતર અંગે વિસ્તૃત ચર્ચા થશે તેવી પણ વિગતો છે.
ખેડૂતોને મોટું નુકસાન
આ વખતે માવઠાનો માર ખેડૂતોને ભારે પડ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ઉનાળો અને ચોમાસુ મિશ્રઋતુ ચાલી રહી હોય તેવું વાતાવરણ છે. કમોસમી વરસાદને લઇ ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવી રહ્યો છે, પાક બગડી જવો અને પાકમાં નુકસાની થવાના લીધે આગામી દિવસોમાં સિઝનેબલ વસ્તુ ભરવા વાળાઓના ખિસ્સા પર ભાર વધશે તે વાત નક્કી છે. હાલ સમયાંતરે પવન સાથે માવઠું વરસી રહ્યું છે જેમા પાકને ભારે નુકસાની થઈ રહી છે. ખાસ કરીને જીરુ, ઘઉ, ઘાણા, ચણા અને ખાસ કરીને સૌ કોઇ ઉનાળામાં રાહ જોઇ બેઠા હોય તે કેરી. આ પાકને હાલ ખાસ્સું એવું નુકસાન થયું છે, જે બજારમા ઉંચા ભાવે મળશે તેવું ખેડૂતો કહી રહ્યાં છે. કેરી પક્વતા ખેડૂતો ફરી વરસાદની આગાહીથી ચિંતાતુર બન્યા છે.
ફરી વરસાદની આગાહી
આગામી ૨૪ કલાકમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં આગામી ૨૪ કલાકમાં વરસાદી માવઠાની શક્યતા જણાઈ રહી છે. તો બીજી તરફ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે. છોટાઉદેપુર, નર્મદા, દાહોદના અમુક વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરાઈ સાથો સાથ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. મહારાષ્ટ્રમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે.
સુરતમાં ભર ઉનાળે વરસાદ
સુરતના વાતાવરણમાં આજે અચાનક જ પલટો આવ્યો હતો અને સમગ્ર શહેરમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો હતો. વરસાદ બાદ આખા શહેરનું વાતાવરણ વાદળછાયું થયું ગઈ છે તો વાદળોના ગડગડાટને કારણે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને સામાન્ય વરસાદથી ભર ઉનાળે ઠંડક પ્રસરી છે.
લિંબાયતમાં એકાએક વાતાવરણમાં પલટો
માંગરોળ અને લિંબાયત તાલુકાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. માંગરોળ અને લિંબાયતમાં ભરઉનાળે કમોસમી વરસાદ ખાબક્યો છે. બન્ને તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા છે. સુરતના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ચૈત્ર મહિનાના અંતમાં અષાઢી માહોલ છવાતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. ખેતીના વિવિધ પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.