તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા મુકુલ રોય કથિત રીતે લાપતા થયા બાદ તેમનું મંગળવારે રાત્રે મોટું નિવેદન સામે આવ્યું હતું. વાત જાણે એમ છે કે, મુકુલ રોયે કહ્યું કે, તેઓ હજુ પણ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય છે અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળવા માંગે છે કારણ કે તેઓ ભાજપમાં પાછા ફરવા આતુર છે. તેમણે કહ્યું કે, તેઓ સોમવારે રાત્રે “કોઈ અંગત કામ” માટે દિલ્હી ગયા હતા. જોકે તેમના પરિવારે શરૂઆતમાં દાવો કર્યો હતો કે તે “ગુમ” થઈ ગયા છે. પરિવારે દાવો કર્યો કે તે માનસિક સ્થિતિ સારી નથી અને કહ્યું કે, ભાજપે TMC નેતાનો ઉપયોગ કરીને ગંદી રાજનીતિ ન રમવી જોઈએ, જે બીમાર છે.
શું હતો સમગ્ર મામલો ?
વાત જાણે એમ છે કે, તૃણમૂલ કોંગ્રેસનાં નેતા મુકુલ રોય કથિત રીતે ગુમ થઈ ગયા હતા. જે બાદમાં સોમવારે તેમના પુત્ર સુભ્રાંશુએ બિધાનનગર પોલીસ સ્ટેશનમાં પિતાના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પુત્રએ જણાવ્યું કે, તેના પિતા રવિવારે સાંજે દિલ્હી જવા રવાના થયા હતા પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. મંગળવારે રાત્રે રોયે કહ્યું કે, તે હજુ પણ ભારતીય જનતા પાર્ટી (BJP) ધારાસભ્ય છે અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળવા માંગે છે કારણ કે તેઓ ભાજપમાં પાછા ફરવા આતુર છે.
કોઈ અંગત કામ માટે દિલ્હી ગયાનું ખૂલ્યું
તૃણમૂલ કોંગ્રેસનાં નેતા મુકુલ રોય સોમવારે રાત્રે “કોઈ અંગત કામ માટે” દિલ્હી ગયા હોવાના અહેવાલ હતા. જોકે તેમના પરિવારે શરૂઆતમાં દાવો કર્યો હતો કે તે ગુમ થઈ ગયા હતા. મંગળવારે સાંજે એક બંગાળી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા રોયે કહ્યું, હું બીજેપીનો ધારાસભ્ય છું. હું ભાજપ સાથે રહેવા માંગુ છું. પાર્ટીએ અહીં મારા રહેવાની વ્યવસ્થા કરી છે. હું અમિત શાહને મળવા અને જેપી નડ્ડા સાથે વાત કરવા માંગુ છું.
અગાઉ પુત્રને પણ આપી હતી ભાજપમાં જોડાવાની સલાહ
વર્ષ ૨૦૧૭ માં રોય તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપની ટિકિટ પર કૃષ્ણનગર ઉત્તર બેઠક પરથી જીત્યા હતા, પરંતુ ચૂંટણીના થોડા દિવસો પછી તેઓ પાછા TMCમાં ગયા હતા. તેમણે કહ્યું, હું થોડા સમયથી બીમાર હતો, તેથી હું રાજકારણથી દૂર હતો. પરંતુ હવે હું ઠીક છું અને ફરી રાજકારણમાં સક્રિય થઈશ. હવે મારો ટીએમસી સાથે ક્યારેય કોઈ સંબંધ નથી. રોયે તેમના પુત્ર સુભ્રાંશુને પણ એક સલાહ આપી હતી. તેમણે કહ્યું, તેણે (શુભ્રાંશુ) પણ ભાજપમાં જોડાવું જોઈએ કારણ કે તે તેમના માટે સૌથી યોગ્ય રહેશે.
મારા પિતાનું માનસિક સ્વાસ્થ્ય સારું નથી: સુભ્રાંશુ
તૃણમૂલ કોંગ્રેસનાં નેતા મુકુલ રોયનાં પુત્ર સુભ્રાંશુનું કહેવું છે કે, તેના પિતા હવે એવા નથી રહ્યા જે તે ત્રણ વર્ષ પહેલા હતા. તેમણે કહ્યું, “મેં તેમને એમ કહેતા જોયા કે, તેઓ દિલ્હીના ધારાસભ્ય અને સાંસદ છે. સ્થિર મનની વ્યક્તિ આવું બોલી શકે ? મારા પિતાની માનસિક તબિયત સારી નથી. સુભ્રાંશુએ કહ્યું કે તેના પિતા “ખૂબ જ બીમાર” છે અને “ડિમેન્શિયા અને પાર્કિન્સન રોગ” થી પીડિત છે. સુભ્રાંશુએ વધુમાં કહ્યું કે ‘મારા પિતાની માસિક આવક રૂ. ૨૧,000 છે. તે એક દિવસમાં ૧૮ દવાઓ લે છે. સુભ્રાંશુએ કહ્યું કે શારીરિક અને માનસિક રીતે અસ્થિર વ્યક્તિનો ‘રાજકીય ઉપયોગ’ કરવો ખોટું છે. ટીએમસી નેતા કુણાલ ઘોષે કહ્યું કે ‘મુકુલ રાય અઠવાડિયામાં ત્રણ દિવસ ભાજપમાં અને ત્રણ દિવસ તૃણમૂલમાં વિતાવે છે. રવિવારે તે ચા પીને આરામ કરે છે.