લોકોને ગરમીમાંથી રાહત આપવા અમદાવાદ ટ્રાફિક પોલીસે શહેરના ૧૨૫ ટ્રાફિક સિગ્નલ બપોરે ૧૨:૩૦થી ૦૪:૩૦ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
ઉનાળામાં ગરમીના નવા નવા રેકોર્ડ સર્જાશે, તેમાં પણ અમદાવાદ શહેરમાં ૪૧ ડિગ્રી આજુબાજુ ગરમી નોંધાતા લોકો તોબા પોકારી ઊઠ્યા છે. બપોરે તો અમદાવાદ રીતસરનું અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હોય તેવું જણાઈ રહ્યું છે, જોકે કાળઝાળ ગરમી સામે લોકોને રાહત આપવા માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદીઓને ગરમીમાં ટ્રાફિકમાં ઉભું રહેવું ન પડે તેને લઈ ટ્રાફિક પોલીસે અમદાવાદ શહેરના ૧૨૫ ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો આજથી નિર્ણય કર્યો છે.
બપોરે ૧૨:૩૦ થી ૦૪:૩૦ સુધી સિગ્નલો રહેશે બંધ
ગરમીથી વાહન ચાલકોને રાહત આપવા અમદાવાદ ટ્રાફિક પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે.
આજથી અમદાવાદ શહેરના ૧૨૫ ટ્રાફિક સિગ્નલ બપોરે ૧૨:૩૦ થી ૦૪:૩૦ સુધી બંધ રહેશે. સિગ્નલ બંધ રહેવાથી વાહન ચાલકોને હવે રોડ પર થોભવું નહીં પડે તેમજ સાથો સાથ ૫૮ ટ્રાફિક સિગ્નલ ચાલુ રાખવામાં આવ્યા છે જે સિગ્નલના સમયમાં ૫૦ % નો ઘટાડો કરાયો છે.
મ્યુનિસિપલ તંત્રના હીટ એક્શન પ્લાનના નોડલ ઓફિસર અને દક્ષિણ ઝોનના હેલ્થ વિભાગના વડા ડો. તેજસ શાહ જણાવ્યા હતુ કે, એલજી હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે સૌથી વધુ ૨૦ બેડનો વોર્ડ તૈયાર કરાયો હોઈ અન્ય મ્યુનિ. હોસ્પિટલો જેવી કે એસવીપી હોસ્પિટલ, શારદાબહેન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ હોસ્પિટલમાં પણ દસ કે તેથી વધુ બેડની વ્યવસ્થા રખાઈ છે. શહેરભરમાં વિવિધ એનજીઓના સહયોગથી ૫૫૦ થી વધુ પાણીની પરબ કાર્યરત કરાઈ છે. ૯૨ અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ઓઆરએસ કોર્નર તૈયાર કરાયા છે. ૨૧૦૦ આંગણવાડીમાં પણ ઓઆરએસની વ્યવસ્થા ઊભી કરાઈ છે તેમ જણાવતાં હીટ એક્શન પ્લાનના નોડલ ઓફિસર ડો. તેજસ શાહ જણાવ્યું હતું કે, ૧૯૦ બીઆરટીએસ બસસ્ટેન્ડ અને ૩૧ એએમટીએસના ડેપો તેમજ ટર્મિનસ ખાતે પેસેન્જર્સને પીવાનું પાણી મળી રહે તેની તકેદારી રખાઈ છે.