દર વર્ષે ૨૧ એપ્રિલે નાગરિક સેવા દિવસ ઉજવવામાં આવે છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિક સેવા દિવસના અવસરે આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે લોકસેવકોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આ વર્ષનો નાગરિક સેવા દિવસ ખૂબ જ મહત્વનો છે.કેમ કે દેશે આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યો છે. તેમ જ આગામી ૨૫ વર્ષના લક્ષો પ્રાપ્ત કરવા ઝડપથી આગળ વધી રહ્યો છે. દેશને આઝાદીના અમૃતકાળ સુધી લાવવા માટે તે અધિકારીઓની મોટી ભૂમિકા રહી છે,જેઓ ૨૦-૨૫ વર્ષ પહેલા આ સેવામાં જોડાયા હતાં.હવેની સ્થિતિએ યુવાન અધિકારીઓની ભૂમિકા વધી જાય છે,જેઓ આગામી ૧૫ થી ૨૫ વર્ષ આ સેવામાં જોડાયેલા રહેશે.જેથી આ અવસરે સિવિલ સેવા અધિકારીઓને કહીશ કે આપ ખૂબ જ ભાગ્યશાળી છો કે તમને દેશની સેવા કરવાની તક પ્રાપ્ત થઇ છે.આપણી પાસે સમય ઓછો છે પરંતુ સામર્થય ભરપૂર છે.વિજ્ઞાન ભવન ખાતેના કાર્યક્રમમાં ગુજરાતના શિક્ષણ વિભાગના “પ્રોજેક્ટ પથ” અને આરોગ્ય વિભાગના SOTTO એકમને ઇનોવેશન સ્ટેટ કક્ષામાં એવોર્ડ પ્રાપ્ત થયો છે.આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના શિક્ષકો અને તબીબોની કર્તવ્યનિષ્ઠા અને જવાબદેહિતાને આ એવોર્ડ સમર્પિત કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘ગુડ ગવર્નન્સ માટે પ્રાધાન્યતા કાર્યક્રમની શ્રેષ્ઠ પદ્ધતિઓ’ પર આધારિત બે ઈ-કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું. તેમણે કહ્યું કે પહેલા એવું માનવામાં આવતું હતું કે ‘સરકાર બધું જ કરશે’, પરંતુ હવે ‘સરકાર બધા માટે કરશે’ એવું માનવામાં આવે છે. આજની સરકારનું સૂત્ર છે- “નેશન ફર્સ્ટ-સિટીઝન ફર્સ્ટ”