કમોસમી વરસાદની આગાહી:- આજથી રાજ્યમાં ૩ દિવસ ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, આજે દાહોદ, તાપી, ડાંગ, નર્મદા, કચ્છમાં માવઠાની શક્યતા
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. આજે પણ વડોદરામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને છૂટો છવાયો વરસાદ પડ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની વધુ એક વખત આગાહી કરવામાં આવી છે. આજથી રાજ્યમાં ૩ દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી કરી છે. જે અનુસાર આજે દાહોદ, તાપી, ડાંગમાં વરસાદની શક્યતાઓ છે તો બીજી તરફ ૨૭ એપ્રિલે દાહોદ, તાપી, ડાંગમાં વરસાદની આગાહી છે અને ૨૮ એપ્રિલે પાટણ, બનાસકાંઠામાં, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર અને અમરેલી, રાજકોટ, કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે.
રાજ્યમાં કાળઝાળ ગરમી
રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો બીજી તરફ કાળઝાળ ગરમી પણ તેનો પ્રકોપ બતાવી રહી છે પાટણમાં ૪૧.૫, ભુજમાં ૪૧.૨ તેમજ અમરેલીમાં ૪૦.૮, અમદાવાદમાં ૪૦.૬ ડિગ્રી તાપમાન નોંધાયું તેમજ રાજકોટમાં ૪૦.૬,વડોદરામાં ૩૯.૮ ડિગ્રી તેમજ ગાંધીનગરમાં ૩૯.૮,ડીસામાં ૩૯.૨ ડિગ્રી તાપમાન નોંધાયું. વધુમાં ભાવનગરમાં ૩૮.૪,સુરતમાં ૩૮.૨ ડિગ્રી તાપમાન નોંધાયું.