ગાંધીનગરમાં પૂર્વ મંત્રીઓએ બંગલા ખાલી ન કર્યાનો કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે આક્ષેપ કર્યો છે તેમણે કહ્યું કે, પૂર્ણેશ મોદીએ મંત્રીનો બંગલો ખાલી કર્યો નથી તેમજ જીતુ ચૌધરી, કિરિટસિંહ રાણાએ પણ બંગલો ખાલી કર્યો નથી તો તે મામલે જીતુ ચૌધરીએ પણ પ્રતિક્રિયા આપી છે
હેમાંગ રાવલના આક્ષેપ
હેમાંગ રાવલે પૂર્વ મંત્રીઓ પર આક્ષેપ કર્યા છે કે, તેઓ મંત્રી નથી છતા પણ બંગલા ખાલી કરતા નથી. તેમણે કહ્યું કે, વિનુ મોરડિયાએ પણ મંત્રીનો બંગલો ખાલી કર્યો નથી અને આ લોકોએ બંગલા ખાલી ન કરતા અત્યારના મંત્રીઓને હજુ બંગલા મળ્યા નથી અને તેઓ સર્કિટ હાઉસમાં રહે છે. તેમણે કહ્યું કે, પૂર્ણેશ મોદીએ ૧૧ નંબરનો બંગલો આજે પણ ખાલી કર્યો નથી આ સર્કિટ હાઉસની બાજુમાં અને મોકાની જગ્યા પર આ બંગલો છે. તેમણે કહ્યું કે, અમે સરકારને અપીલ કરીએ છીએ કે, પૂર્વ મંત્રીઓને બંગલા ખાલી કરાવવામાં આવે અને નવા મંત્રીઓને ફાળવવામા આવે.
જીતુ ચૌધરીની પ્રતિક્રયા
બંગલો ખાલી ન કરવાના કોંગ્રેસના આક્ષેપ પર જીતુ ચૌધરીની પ્રતિક્રયા સામે આવી છે. તેમણે કહ્યું કે, વિધાનસભા ચાલુ હોવાથી બંગલો ખાલી કર્યો નથી અને ટૂંક સમયમાં જ ગાંધીનગરનો મંત્રી બંગલો ખાલી કરીશુ. આ મુદ્દે વર્તમાનમાં રાજકીય માહોલ ગરમાયો છે. જો કે, પૂર્વ મંત્રીઓએ બંગલો ખાલી ન કર્યો હોવાનો હેમાંગ રાવલે ફોટા સાથે આક્ષેપ પણ કર્યો છે. અમુક મંત્રી ધારાસભ્ય ક્વોર્ટ્સ અને બંગલો બંન્ને વાપરતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.