વિધાનસભા બાદ મહાપાલિકામાં પણ વિપક્ષના નેતાનું પદ છીનવી લેવાયું, જૂનાગઢ મહાનગરપાલિકા અને રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાનું પદ છીનવી લેવાયું
ગુજરાતમાં વિપક્ષ તેની ધાર અને જનમત બંને ગુમાવતો જાય છે. ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ૧૭ બેઠક સુધી જ સિમિત રહી છે. જેને લઈ વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ ન આપવામાં આવ્યું. આ તરફ હવે વિધાનસભા બાદ મહાપાલિકામાં પણ એ જ સ્થિતિ આવી છે. જૂનાગઢ મહાપાલિકામાં વિપક્ષના નેતાનું પદ છીનવી લેવાયું છે. જૂનાગઢ મહાપાલિકામાં કોંગ્રેસની ૩ જ બેઠક હતી. રાજકોટ મહાપાલિકામાં પણ કોંગ્રેસનું વિપક્ષના નેતાનું પદ છીનવી લેવાયું. રાજકોટ મહાપાલિકામાં પણ કોંગ્રેસ ૭૨ માંથી ફકત ૨ બેઠક જીતી શકી હતી. વિપક્ષ તેના મતદાતાથી સતત વિમુખ થઈ રહ્યો છે.
વિપક્ષના નેતાના શું છે અધિકાર?
વિપક્ષના નેતાને કેબિનેટ મંત્રીની રેન્કનો દરજ્જો મળે છે. આ સાથે કેબિનેટ મંત્રીને મળતી તમામ સવલત વિપક્ષના નેતાને મળે છે. વિગતો મુજબ સંસદ અને વિધાનસભાના નિયમાનુસાર તમામ પગાર, ભથ્થા મળે છે. ગૃહમાં વિપક્ષની કતારમાં સૌથી આગળની બેઠક ફાળવવામાં આવે છે. વિધાનસભાની વિવિધ સમિતિમાં વિપક્ષનું સ્થાન હોય છે.
કોંગ્રેસની દલીલ શું છે?
રાજકોટ અને જૂનાગઢ મહાપાલિકામાં કોંગ્રેસનું વિપક્ષના નેતાનું પદ છીનવી લેવાયું છે. ૨૦૨૧ માં ચૂંટણી થઈ ત્યારે પણ કોંગ્રેસની ૧૦ % બેઠક ન હતી. જે તે સમયે ભાજપે સિદ્ધાંતના આધારે વિપક્ષના નેતાનું પદ આપ્યું હતું. ૨ વર્ષ પછી હવે અચાનક શું થયું કે વિપક્ષના નેતાની સવલત છીનવી લેવાઈ. કોઈ નોટિસ મળે તો તેનો જવાબ દેવા ૭ દિવસનો સમય મળે છે. આ કિસ્સામાં તાકિદના હુકમ કરીને તાત્કાલિક તમામ સવલતો બંધ કરી દેવામાં આવી.
વિપક્ષના નેતાનું પદ માટે શું છે નિયમ?
વિગતો મુજબ વિપક્ષના નેતાનું પદ માટે કુલ બેઠકના 10% સભ્યો હોવા જરૂરી છે. ૧૦ % થી ઓછા સભ્યો હોય ત્યારે ગૃહના અધ્યક્ષ નિર્ણય લઈ શકે છે. ૧૦ % થી ઓછુ સંખ્યાબળ હોય ત્યારે અધ્યક્ષ વિવેકાધીન રહી નિર્ણય લઈ શકે છે. આ માટે લોકસભાના પહેલા સ્પીકર જી.વી.માવળંકરે દિશા નિર્દેશ જારી કર્યા હતા. આ દિશા નિર્દેશ માવળંકર રુલિંગ તરીકે પણ ઓળખાય છે. ૧૯૭૭ થી વિપક્ષના નેતાને સત્તાવાર માન્યતા મળી છે. સત્તાવાર માન્યતા બાદ તેના પગાર, ભથ્થાની ચોક્કસ વ્યાખ્યા નક્કી થઈ. આ સાથે લોકસભામાં ૧૯૮૦ થી ૧૯૮૯ અને ૨૦૧૪ પછી આજ સુધી વિપક્ષના નેતાની જગ્યા ખાલી છે.
નિષ્ણાતોના મત શું છે?
- સંસદ કે વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ માટે નિષ્ણાતોમાં ભિન્ન મત છે
- એક મત એવો છે કે સંસદના નિયમ જ રાજ્યની વિધાનસભામાં લાગુ પડે છે
- જો સંસદમાં ૧૦ % સંખ્યાબળનો નિયમ હોય તો વિધાનસભામાં પણ એ જ નિયમ રહે
- 10% કરતાં ઓછું સંખ્યાબળ હોય તો પણ સ્પીકર વિપક્ષનું નેતા પદ આપી ન શકે
- નિયમમાં ફેરફાર કરવો હોય તો ગૃહની એક સમિતિ બનવી જરૂરી
- સમિતિ જે નિયમ નક્કી કરે તેને સંસદમાં પસાર કરવો પડે
- જો કે નિષ્ણાતોનો એક વર્ગ ભિન્ન મત ધરાવે છે
- નિષ્ણાતોનો એક વર્ગ માને છે કે ૧૦ % સંખ્યાબળનો નિયમ ફરજિયાત નથી
- 1977માં જે અધિનિયમ જારી કરાયો તેમાં ૧૦ % સંખ્યાબળનો ઉલ્લેખ નથી
- રાજ્યમા આ વાત લાગુ પડે છે અને અધ્યક્ષે વિપક્ષના નેતાનું પદ આપવું જોઈએ
- લોકસભામાં ૧૦ % સંખ્યાબળ ફરજિયાત પણ વિધાનસભાના અલગ નિયમ હોઈ શકે