૭૨ કલાકના યુદ્ધવિરામ છતાં સુદાનના ભાગોમાં લડાઈ ચાલુ

દક્ષિણ સુદાનની રાજધાની જુબામાં એક સૈન્ય દૂતને વાતચીત માટે મોકલવામાં આવ્યો છે

સુદાનમાં પેરામિલિટરી ફોર્સ અને સેના વચ્ચે ૧૫ એપ્રિલથી યુદ્ધ ચાલી રહ્યું છે. હાલ ૭૨ કલાકના યુદ્ધવિરામ છતાં દેશના કેટલાક ભાગોમાં લડાઈ ચાલુ છે. સુદાનની રાજધાની અને અન્ય શહેરો ઉપર યુદ્ધ વિમાનો ઉડે છે ત્યારે વિસ્ફોટ અને ગોળીબારના અવાજો હજુ પણ સંભળાય છે. દરમિયાન, સુદાનની સેનાએ કહ્યું કે તેના નેતા જનરલ અબ્દેલ ફતેહ અલ-બુરહાને યુદ્ધવિરામને વધુ ૭૨ કલાક લંબાવવાની યોજનાને પ્રાથમિક મંજૂરી આપી દીધી છે.

દક્ષિણ સુદાનની રાજધાની જુબામાં એક સૈન્ય દૂતને વાતચીત માટે મોકલવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે દેશમાં ઈંધણ અને ડૉક્ટરોની કોઈ અછત નથી. ખાર્તુમ અને ઓમદુર્મનમાં લોકોને સ્વચ્છ પાણી, ખોરાક અને રોકડ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. સંઘર્ષ શરૂ થયો ત્યારથી ઓછામાં ઓછા ૪૫૯ લોકોના મોત થયા છે.

જોકે, મૃતકોની વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હોવાનું કહેવાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે રોગ, ખોરાક અને પાણીની અછત અને આરોગ્ય સુવિધાઓમાં વિક્ષેપના કારણે ઘણા લોકોના મૃત્યુ થવાની સંભાવના છે.

આશરે ૩,૫૦૦ ભારતીયો અને ૧,૦૦૦ ભારતીય મૂળના લોકો સંઘર્ષગ્રસ્ત સુદાનમાં હોવાનો અંદાજ છે. નવી દિલ્હીમાં મીડિયાને બ્રીફિંગ આપતા વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું હતું કે, સુદાનમાં જમીન પર સ્થિતિ અત્યંત અસ્થિર છે અને આ મહિનાની 15મી તારીખે સંઘર્ષ શરૂ થયો ત્યારથી ભારત સતત તેના પર નજર રાખી રહ્યું છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેમના યુએસ, સાઉદી અરેબિયા, યુએઈ, ઇજિપ્ત અને યુકેના સમકક્ષો સાથે ઇવેક્યુએશન ઓપરેશન અંગે વાત કરી છે.

વિદેશ સચિવે કહ્યું હતું કે, સુદાનની અંદર સંચાર માટે નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે જેના દ્વારા ભારતીયો પરિસ્થિતિ વિશે માહિતી આપી શકે છે અને ભારત સરકારે તેમને સલાહ પણ આપી છે. વિદેશ સચિવે જણાવ્યું હતું કે, દૂતાવાસે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ કરી છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં લગભગ ૩,૦૦૦ ભારતીય નાગરિકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને ૩૦૦ દૂતાવાસના સંપર્કમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *