જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, જેતપુર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેતીના પાકમાં વ્યાપક નુકસના થયું છે
માર્ચ મહિનામાં જ્યાં ઉનાળાની શરુઆત થતી હોય છે પરંતુ ગુજરાતમાં ચોમાસાની શરુઆત થઈ હોય તેવું વાતાવરણ સર્જાયું છે, રાજ્યમાં ઠેર-ઠેર હળવાથી ભારે અને ગાજવીજ સાથે વરસાદ થયો છે. રાજ્યમાં કમોસમી વરસાદે જગતના તાતના હાલ-બેહાલ કર્યા છે. ભર ઉનાળે વરસેલા વરસાદે ખેતીના પાકમાં વ્યાપક નુકસાન પહોંચાડ્યો છે, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, જેતપુર સહિતના વિસ્તારોમાં ખેતીના પાકમાં વ્યાપક નુકસના થયું છે..
જૂનાગઢમાં ગત મોડી રાતથી જ જિલ્લામાં વરસાદ વરસ્યો હતો જેમાં માર્કેટિંગ યાર્ડમાં પડેલા ૧૫,૦૦૦ કેરીના બોક્ષ પલળી ગયા છે, વર્તમાનમાં કેરીની મોસમ પૂરબહારમાં છે ત્યારે જ કમોસમી વરસાદ ખેડૂતોને રીતસરના રડાવ્યા હોય તેવા હાલ થયા છે. માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલા કેરી બોક્ષ પલડી જતા કેરીનું વ્યાપક નુકસાન થયું છે. આકાસી આફતના કારણે કેરીના બોક્સના ભાવમાં ૨૦૦ થી ૩૦૦ રૂપિયાનો ભાવમાં ઘટાડો થયો છે.
ક્રિકેટ સ્ટેડિયમમાં પાણી ભરાયા
હવામાન વિભાગની આગાહીને પગલે ગીર સોમનાથમાં વરસાદ પડ્યો છે ત્યારે કોડીનારના ક્રિકેટ સ્ટેડિયમમાં પાણી ભરાયો છે. ધોધમાર વરસાદ પડતાં ક્રિકેટ સ્ટેડિયમમાં વરસાદી પાણીથી જળબંબાકારના દર્શ્યો સર્જાયા છે. મેદાનમાં ચારેય તરફ પાણી પાણી થયું છે.
જેતપુર માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસ પલડી
રાજ્યભરમાં અનેક વિસ્તારોમાં માવઠાથી મોટું નુકસાન થયું છે જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસ પલળી ગઈ છે. હવામાન વિભાગની આગાહી છતાં યાર્ડના સત્તાધીશો અને તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું જાણવા મળ્યું છે. માવઠું પડતાં યાર્ડમાં ખુલ્લામાં રાખેલો ખેડૂતો તેમજ વેપારીઓનો માલ પલળ્યો જેથી મોટું નુકસાન થયું છે. યાર્ડમાં ખુલ્લામાં પડેલા મરચા, ધાણા સહિતના તૈયાર પાકોમાં નુકસાન થયો છે. માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોની બેદરકારીના કારણે સતત ચાર વાર જણસ પાણીમાં પલડી છે. યાર્ડમાં ખેડૂતોની જણસ ખુલ્લામાં પલળતા ખેડૂતોની હાલત કફોડી બની છે તેમજ યાર્ડમાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ ન હોવાના ખેડૂતોના આક્ષેપો છે.
જામનગરમાં ધોધમાર કમોસમી વરસાદ
જામનગર પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જિલ્લાના તમામ તાલુકામાં કમોસમી વરસાદ પડતા ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે. ખેડૂતોએ પશુઓ માટે રાખેલ ઘાસચારો પણ ભીંજાયો છે તો કમોસમી વરસાદ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.