ચીફ ઓફિસર જીગર પટેલને સસ્પેન્ડ:- ભુજમાં યોજાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ દરમિયાન મીઠી નીંદર માણી રહેલા ચીફ ઓફિસર જીગર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. એક કાર્યક્રમ દરમિયાન ચીફ ઓફિસર ઉંઘતા હોય એવો વીડિયો વાયરલ થયા બાદ તેમની સામે એક્શન લેવામાં આવ્યું છે. તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભુજમાં યોજવામાં આવ્યો હતો મુખ્યમંત્રીનો કાર્યક્રમ
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ સીએમ ભૂપેન્દ્ર પટેલ કચ્છના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન ભુજમાં પ્રોપર્ટી કાર્ડ વિતરણનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ સરકારના વિકાસ કાર્યની ગાથા તેમના પ્રાસંગિક પ્રવચનમાં કરી રહ્યાં હતા. તેમજ અધિકારીઓને મહત્વના સૂચનો આપતા હતા. આ દરમિયાન શ્રોતાગણમાં બેઠેલા ભુજના ચીફ ઓફિસર જીગર પટેલ ઊંઘતા જોવા મળ્યાં હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.