વરસાદી માવઠાને લઈને ખેડૂતોમાં ચિંતા

જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, દ્વારકા અને અમરેલી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેતીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે.

માર્ચ મહિનામાં જ્યાં ઉનાળાની શરુઆત થતી હોય છે પરંતુ ગુજરાતમાં ચોમાસાની શરુઆત થઈ હોય તેવું વાતાવરણ સર્જાયું છે, રાજ્યમાં ઠેર-ઠેર હળવાથી ભારે અને ગાજવીજ સાથે વરસાદ થયો છે. રાજ્યમાં કમોસમી વરસાદે જગતના તાતના હાલ-બેહાલ કર્યા છે. ભર ઉનાળે વરસેલા વરસાદે ખેતીના પાકમાં વ્યાપક નુકસાન પહોંચાડ્યો છે, કમોસમી વરસાદના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખેતી પાકમાં નુકસાન થયું છે.

દ્વારકામાં કમોસમી વરસાદ કલ્યાણપુર, દ્વારકા, ખંભાળિયા, ભાણવડ તાલુકામાં ખાબક્યો છે. જેમાં ખેતી પાકમાં ભારે નુકસાન થયો છે. ખેડૂતોને તલ, અડદ, મગના પાકમાં ભારે નુકસાન થયું છે. વરસાદને કારણે ખેડૂતોના પાકમાં વરસાદી પાણી ફરી વળ્યું છે જેના કારણે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

કમોસમી વરસાદના કારણે જામનગરમાં ઈંટો પકવતા લોકોને ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદના પગલે તૈયાર થયેલી કાચી ઈંટો પર પાણી ફરી વળ્યું છે. તૈયાર ઈંટો પકવતા પહેલા પલળી જતા ભારે નુકસાન થયું છે. ઈંટો પકવનારાએ તાત્કાલિક સહાયની માગ  કરી છે. મહામેહનતે તૈયાર કરેલી ઇંટો પલળતા લાખોનું નુકસાન થયાનું જણાવ્યું છે.

જૂનાગઢ જિલ્લામાં સતત ૩ દિવસથી કમોસમી કમઠાણ સર્જાયું છે. વરસાદી માવઠાને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે કારણ કે, કેરી, તલ, અડદ, ડુંગળી, બાજરીના પાકમાં ભારે નુકસાન થયું છે. વિસાવદર, મેંદરડા, વંથલી, ભેંસાણ તાલુકામાં વરસાદથી ખેતી પાકમાં ભારે નુકસાની થઈ છે. મેંદરડા તાલુકાના ખેડૂતોને ખેતરોમાં ભારે નુકસાન થયું છે.

હવામાન વિભાગે ૫ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. જે અંતર્ગત અમરેલીના સાવરકુંડલા,ધારી,બાબરા,રાજુલા અને ખાંભામાં કમોસમી વરસાદ થયો હતો. આ વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થયું છે. ખેડૂતોનો તલ,બાજરી અને મગનો ઉભો પાક જમીન દોસ્ત થયો છે. જેથી ખેડૂતોએ તાત્કાલિક સરવે કરીને સહાય ચૂકવવાની માગ કરી છે.

કમોસમી વરસાદના કારણે ગીરસોમનાથમાં કેરી પાકમાં ભારે નુકસાન થયું છે. ગીરસોમનાથના કોડીનારમાં કેસર કેરીને નુકસાન થયું છે અત્રે ઉલ્લેખનીય છે કે,  શુક્રવારે કોડીનારમાં ૧ ઈંચ વરસાદ પડ્યો હતો જેનાથી તૈયાર પાકમાં નુકસાન થવાથી ખેડૂતો ચિંતિત છે. ખેડૂતોએ તાત્કાલિક સરવે કરીને સહાય ચૂકવવા માગ  કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *