ગૂજરાત વિદ્યાપીઠના કાર્યકારી કુલસચિવ દ્વારા કોન્ટ્રાક્ટ પર કામ કરતા વર્ગ – ૪ ના ૫૦ કર્મચારીઓને મકાન ખાલી કરવાની નોટિસ અપાઈ છે. નોટિસમાં તેમને એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
ગૂજરાત વિદ્યાપીઠના ૫૦ કર્મચારીઓને કાર્યકારી કુલસચિવ દ્વારા નોટિસ આપવામાં આવી છે. ઘણા વર્ષોથી વિદ્યાપીઠમાં કામ કરતા ૫૦ કર્મચારીઓને કાર્યકારી કુલસચિવે મકાન ખાલી કરવાની નોટિસ પાઠવી છે. નોટિસમાં જણાવ્યા અનુસાર આ કર્મચારીઓ એક મહિનામાં મકાન ખાલી નહીં કરે તો મકાનનું બજાર ભાડું વસુલવામાં આવશે.
ગૂજરાત વિદ્યાપીઠના રજિસ્ટ્રાર ભરત જોષીના જણાવ્યા મુજબ, ગૂજરાત વિદ્યાપીઠમાં વર્ષોથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા વર્ગ- ૪ ના ૫૦ કર્મચારીઓને કેમ્પસમાં આવેલા મકાન ખાલી કરવાની નોટિસ અપાઇ છે. તેમને મકાન ખાલી કરવા માટે ૧ જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે. ૧ જૂન બાદ પણ ખાલી ન કરે તેમની પાસેથી બજાર ભાડું વસૂલવામાં આવશે.
વર્ગ ૪ ના કર્મીઓને કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં આ નોટિસ પાઠવવામાં આવી છે. જે કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો છે. આ ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાશે. ઉમેદવારોની અભ્યાસ અને સ્કિલના આધારે ભરતી કરવામાં આવશે. નવા ઉમેદવારોને પણ નોકરી માટેની તક મળે તે વિદ્યાપીઠનો મુખ્ય ઉદ્દેશ છે.
એક કર્મચારીએ જણાવ્યું કે, વિદ્યાપીઠનો પગાર એટલા માટે પોસાતો હતો કારણ કે અમને અહીં રહેવાની સગવડ આપવામાં આવતી હતી. અમને દરરોજનું ૩૫૦ રૂપિયાનું મહેનતાણું ચૂકવાય છે. જેમાંથી મેડિકલ, પીએપ વિગેરે કપાયા છે. આ વિસ્તારમાં ભાડેથી રહેવા જેટલો પગાર પણ નથી. હવે અમારી ઉંમર પણ થઈ ગઈ હોવાથી બીજી જગ્યાએ સરળતાથી નોકરી પણ મળશે નહીં. સાથે મકાન ખાલી કરવા એક મહિનાનો સમય અપાયો છે. વિદ્યાપીઠે અમે આપેલી સેવાને ધ્યાને લઇને અમને નોકરીમાંથી છૂટા ન કરવા જોઇએ.